Hookah Ban In Karnataka : જાણો કયા રાજ્યમાં હુક્કો પીતા પકડાયા તો પોલીસના દંડા ખાવા પડશે

08 February, 2024 02:12 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

Hookah Ban In Karnataka : સરકારનું મનવું છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક હુક્કા; તાત્કાલિક અસરથી કર્ણાટકમાં હુક્કા પર પ્રતિબંધ

તસવીર સૌજન્ય : પિક્સાબે

કર્ણાટક (Karnataka) સરકારે આજે એક મોટું પગલું લીધું છે. કર્ણાટક રાજ્યમાં હુક્કા ઉત્પાદનોની (Hookah Ban In Karnataka) ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યમાં યુવાનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવ (Dinesh Gundu Rao)એ હુક્કા પર પ્રતિબંધની જાહેરાત કરી છે.

કર્ણાટક સરકાર (Karnataka Government)એ હુક્કા ઉત્પાદનોના વેચાણ, ખરીદી અને પ્રચાર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ અંગેની માહિતી જાહેર કરી છે. તમામ પ્રકારના હુક્કા ઉત્પાદનોના વેચાણ, સંગ્રહ, જાહેરાત અને પ્રચાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઉલ્લંઘન કરનારાઓ પર COTPA (સિગારેટ અને ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ ૨૦૦૩), ચાઈલ્ડ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ ૨૦૧૫, ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી એક્ટ ૨૦૦૬, કર્ણાટક પોઈઝન (કબજો અને વેચાણ) નિયમો ૨૦૧૫ અને ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ કરવામાં આવશે.

કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે હુક્કા પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. તેમણે ગુરુવાર ૭ ફેબ્રુઆરીએ માઇક્રો એક્સ (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. તેમાં તેણે લખ્યું હતું કે, ‘જન આરોગ્ય અને યુવાનોની સુરક્ષાના હેતુથી કર્ણાટક સરકારે હુક્કા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.’

તેમણે કહ્યું કે, ‘ધૂમ્રપાન સાથે સંકળાયેલા ગંભીર સ્વાસ્થ્ય જોખમોને ધ્યાનમાં રાખીને અમે સમગ્ર રાજ્યમાં હુક્કા પર પ્રતિબંધ મૂકીને નિર્ણાયક પગલાં લીધા છે. કર્ણાટકમાં સિગારેટ અને અન્ય ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ (COTPA)માં સુધારો કરીને હુક્કાના ધૂમ્રપાન પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. અમારી સરકાર અમારી ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ બનાવવા માટે કામ કરી રહી છે.’

સરકારના કહેવા પ્રમાણે, લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારી આદેશમાં એવા અભ્યાસોને પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે જે દર્શાવે છે કે, કેવી રીતે 45 મિનિટનો હુક્કો (ધુમ્રપાન) 100 સિગારેટ પીવાની બરાબર છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

નોંધનીય છે કે, કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ થોડા દિવસો પહેલા હુક્કા પર પ્રતિબંધ લગાવવાના સંકેત આપ્યા હતા. દિનેશ ગુંડુ રાવે સપ્ટેમ્બર ૨૦૨૩માં હુક્કા બાર પર પ્રતિબંધ અને તમાકુના સેવનની કાયદેસરની ઉંમર ૧૮થી વધારીને ૨૧ વર્ષ કરવાની જાહેરાત કરી હતી. તે સમયે ગુંડુ રાવે કહ્યું હતું કે, હુક્કામાં વપરાતા અજાણ્યા ઘટકો વ્યસનનું કારણ બની શકે છે. જોકે, કર્ણાટકના બાર એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને તેમના નિર્ણયનો વિરોધ કર્યો હતો. હવે સંગઠને હુક્કા પર પ્રતિબંધ સામે કોર્ટમાં જવાનો પણ સંકેત આપ્યો છે.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે સમાન પગલામાં હરિયાણા સરકારે રાજ્યભરમાં હોટલ, રેસ્ટોરન્ટ, બાર અને વ્યવસાયિક સંસ્થાઓમાં ગ્રાહકોને હુક્કા પીરસવા પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. જો કે, હરિયાણામાં ગ્રામીણ વિસ્તારોમાં વપરાતા પરંપરાગત હુક્કા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો ન હતો.

karnataka india national news