11 September, 2024 07:22 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહે ગઈ કાલે દિલ્હીમાં ઇિન્ડયન સાઇબર ક્રાઇમ કોઑર્ડિનેશન સેન્ટરના પહેલા સ્થાપનાદિવસ નિમિત્તે એના લોગોનું અનાવરણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘સાઇબર-ખતરાઓ સામે લડવા માટે આગામી પાંચ વર્ષમાં ભારત પાસે પાંચ હજાર પ્રશિક્ષિત સાઇબર-કમાન્ડો તૈયાર હશે. આ એવા ઉચ્ચ શિક્ષિત પોલીસ-અધિકારીઓ હશે જેઓ દેશ પર થતા સાઇબર-હુમલાનો પળભરમાં જવાબ આપશે અને આવા ખતરાઓને રોકી શકશે. સાઇબર-સિક્યૉરિટી વિના દેશનો વિકાસ શક્ય નથી.’
ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઑર્ડિનેશન સેન્ટર (I4C)ના પહેલા સ્થાપનાદિવસે અમિત શાહે સાઇબર ફ્રૉડ મિટિગેશન સેન્ટર (CFMC)ને દેશને સમર્પિત કર્યું હતું. ગૃહપ્રધાને સાઇબર-ક્રાઇમની તપાસ માટે જૉઇન્ટ સમન્વય પ્લૅટફૉર્મનું પણ અનાવરણ કર્યું હતું. આ સિવાય તેમણે સસ્પેક્ટ રજિસ્ટ્રીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં સાઇબર અને ઑનલાઇન ફાઇનૅન્શિયલ ફ્રૉડ કરનારા અપરાધીઓની વિગતો સ્ટોર કરવામાં આવી છે અને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એ જોઈ શકે છે. નૅશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP)ની જેમ જ આ રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવી છે.
CFMC વિશે બોલતાં અમિત શાહે કહ્યું હતું કે ‘I4C દ્વારા સ્થાપવામાં આવેલા આ સેન્ટરમાં મુખ્ય બૅન્કો, ફાઇનૅન્શિયલ ઇન્ટરમિડિયેટર્સ, પેમેન્ટ ઍગ્રિગેટર્સ, ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડર અને વિવિધ રાજ્યોની લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને સામેલ કરવામાં આવી છે. કોઈ પણ સાઇબર-ગુનામાં આ સરળતાથી તપાસ કરવામાં મદદરૂપ થશે.’