25 March, 2024 10:55 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
આજે દેશભરમાં રંગોના તહેવાર હોળી (Holi 2024)ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશના ટોચના નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu), ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર (Jagdeep Dhankhar), કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh)એ હોળીના અવસર પર દેશના નાગરિકોને શુભેચ્છા આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળીની શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, ‘મારા દેશના તમામ પરિવારજનોને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્નેહ અને સંવાદિતાના રંગોથી સુશોભિત આ પરંપરાગત તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે.’
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હોળીની શુભેચ્છા આપતાં કહ્યું કે, ‘આનંદ અને ઉત્સાહના તહેવાર હોળીની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. સૌહાર્દ અને સંવાદિતાનો આ તહેવાર ભારતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે. રંગોનો આ તહેવાર દેશવાસીઓમાં પ્રેમ અને ભાઈચારાની લાગણીને વધુ મજબૂત કરે અને દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે એવી મારી શુભેચ્છા છે.’
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે શુભેચ્છા આપતા કહ્યું કે, ‘રંગોના તહેવાર હોળીના આનંદી અવસર પર હાર્દિક શુભેચ્છાઓ. હોળી આપણા બંધનોને પુનઃજીવિત કરવા અને વસંતના આગમનને આવકારવા માટે અમારા માટે એક કરુણ પ્રસંગ તરીકે સેવા આપે છે. તે જીવનની ઉજવણી અને પ્રકૃતિની વિપુલતાને મૂર્ત બનાવે છે. હોળીના રંગો આપણા જીવનને સુખ, આશા અને સંવાદિતાથી ભરી દે.’
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુભેચ્છા આપતા લખ્યું કે, ‘રંગો અને આનંદના મહાન તહેવાર હોળીની તમામ દેશવાસીઓને શુભકામનાઓ. ખુશીનો આ તહેવાર તમારા બધાના જીવનમાં સમૃદ્ધિ અને સંવાદિતાના રંગો લાવે અને નવી ઊર્જાના સંચારનું માધ્યમ બને.’
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દેશની જનતાને હોળીની શુભેચ્છાઓ આપતા કહ્યું કે, ‘હોળીના તહેવારની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. રંગોનો આ તહેવાર તમારા જીવનમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરે. હેપ્પી હોળી!’
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી હોળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, ‘રંગ, ઉત્સાહ, પ્રેમ, આનંદ અને સામાજિક સમરસતાના મહાન તહેવાર હોળી પર રાજ્યના લોકોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! હું ઈચ્છું છું કે તમારું જીવન ખુશીઓના વિવિધ રંગોથી ભરાઈ જાય અને સમાજ સુખ, શાંતિ અને સદ્ભાવનાના ભાવનાત્મક રંગોમાં રંગાઈ જાય.’
ગઈકાલે રાત્રે હોળીકા દહનની ઉજવણી કર્યા બાદ આજે દેશભરમાં રંગપંચમીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે.