કેરલામાં હિન્દુ-મુસ્લિમોએ મળીને ૪૦૦ વર્ષ જૂના દુર્ગા મંદિરનું પુન: નિર્માણ કર્યું

11 April, 2024 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ માટે મુસ્લિમોએ ૩૮ લાખ રૂપિયા આપ્યા હતા. માત્ર પૈસા જ નહીં, મુસ્લિમો બાંધકામ માટેની સામગ્રી પણ દાનમાં આપી રહ્યા છે

૪૦૦ વર્ષ જૂનું દુર્ગા મંદિર

કેરલાના મલપ્પુરમ જિલ્લામાં આવેલા મુથુવલ્લુર નામના નાનકડા ગામમાં સુંદર ઘટના સામે આવી છે. ગામમાં આવેલા ૪૦૦ વર્ષ જૂના દુર્ગા મંદિરને નવેસરથી બનાવવા માટે સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ સમાજે હાથ મિલાવ્યા હતા. મંદિરના પુન: નિર્માણના ખર્ચમાં મોટા ભાગનું યોગદાન મુસ્લિમ સમાજનું છે. પહેલા તબક્કાનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. આગામી મે મહિનામાં મંદિરમાં મૂર્તિ સ્થાપના માટે ભવ્ય ઉત્સવ યોજાશે. પુન: નિર્માણનું કામ ૨૦૧૫માં શરૂ કરવામાં આવ્યું હતું. આ માટે મુસ્લિમોએ ૩૮ લાખ રૂપિયા આપ્યા હતા. માત્ર પૈસા જ નહીં, મુસ્લિમો બાંધકામ માટેની સામગ્રી પણ દાનમાં આપી રહ્યા છે. મંદિર સમિતિના પ્રમુખ પી. ચંદ્ર કહે છે કે મંદિર માટે જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે મુસ્લિમો હંમેશાં સહકાર આપે છે. ગામમાં બન્ને ધર્મના લોકો સદીઓથી સુમેળ સાથે રહે છે. અગાઉ ૧૮મી સદીમાં મસ્જિદના નિર્માણ માટે મંદિર દ્વારા સ્વૈચ્છાએ જમીન આપવામાં આવી હતી.

national news hinduism kerala