midday

હિમાચલ પ્રદેશમાં બે સ્થળે વાદળ ફાટ્યાં, કુલુમાં પૂરનાં પાણીમાં તણાયાં સેંકડો વાહનો, ચંડીગઢ-મનાલી હાઇવે બંધ

02 March, 2025 07:03 AM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

કુલુમાં ભારે વરસાદને કારણે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ભારે વરસાદને કારણે ભૂતનાથ નાળામાં અનેક વાહનો તણાઈ ગયાં હતાં.
ભારે વરસાદને કારણે ભૂતનાથ નાળામાં અનેક વાહનો તણાઈ ગયાં

ભારે વરસાદને કારણે ભૂતનાથ નાળામાં અનેક વાહનો તણાઈ ગયાં

હિમાચલ પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી ખરાબ મોસમને કારણે લોકોની પરેશાનીનો પાર નથી ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં બે સ્થળે વાદળ ફાટતાં આવેલા વરસાદ અને ભારે બરફવર્ષાને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. કુલુમાં રસ્તાઓ પર પૂરનાં પાણીમાં સેંકડો વાહનો તણાઈ ગયાં છે.

કુલુમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ

કુલુમાં ભારે વરસાદને કારણે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ભારે વરસાદને કારણે ભૂતનાથ નાળામાં અનેક વાહનો તણાઈ ગયાં હતાં. ગાંધીનગર વિસ્તારમાં અનેક વાહનો કાટમાળમાં દટાઈ ગયાં છે. ત્યાંની તમામ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે અને ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. ભુંતરની સબ્ઝીમંડી પાણીમાં ડૂબી ગઈ છે.

લાહૌલ સ્પીતિ, ચંબા-પાંગી અને કિન્નૌર જિલ્લામાં મોટા ભાગના રસ્તા બરફવર્ષાને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. સાત જિલ્લામાં ફ્રેશ સ્નોફૉલ થયો છે. કુલુ, કાંગડા અને ચંબામાં ઘણા નુકસાનની જાણકારી મળી રહી છે. આ ત્રણ જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ થતાં નદીઓમાં પૂર આવ્યાં છે.

રોહતાંગ પાસમાં ત્રણ ફુટ સ્નોફૉલ

રોહતાંગ પાસ પાસે ત્રણ ફુટ સ્નોફૉલ થયો છે. કોકસર અને અટલ ટનલના નૉર્થ પૉઇન્ટ પર અઢી ફુટ અને સાઉથ પોર્ટલ પર બે ફુટ બરફવર્ષા થઈ છે.

નૅશનલ હાઇવે બંધ

હિમાચલ પ્રદેશમાં ચંડીગઢ-મનાલી હાઇવે સહિત ચાર નૅશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના ૪૪૪ રસ્તા પરનો ટ્રાફિટ અટકી ગયો છે.

himachal pradesh Weather Update national news news