14 November, 2024 07:00 AM IST | Himachal Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હિમાચલ પ્રદેશ સાઇબર પોલીસે લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે કોઈ પણ અજાણ્યા નંબર પરથી મોબાઇલ ફોન પર વૉટ્સઍપ દ્વારા લગ્નનું ઇન્વિટેશન મળે તો એ ફાઇલને ડાઉનલોડ કરશો નહીં, ખાસ કરીને જેમાં APK ફાઇલ અટૅચમેન્ટ તરીકે હોય એને કદી ડાઉનલોડ કરતા નહીં.
આજકાલ લોકો આ રીતે લગ્નનું ઇન્વિટેશન મોકલે છે એથી સાઇબર ક્રિમિનલોએ પણ લોકોને ઠગવા માટે એનો ઉપયોગ શરૂ કરી દીધો છે. એક નવા પ્રકારનું સ્કૅમ થઈ રહ્યું છે જેમાં વેડિંગ ઇન્વિટેશનના નામે એવી ફાઇલ મોકલવામાં આવે છે જેને ડાઉનલોડ કરતાં તમારા ફોન પર સાઇબર-અટૅક થઈ શકે છે અને તમારા ફોનમાંથી મહત્ત્વનો ડેટા ચોરાઈ શકે છે.
આ સંદર્ભે સાઇબર પોલીસે જણાવ્યું કે વેડિંગ ઇન્વિટેશનની ફાઇલ ખોલતાં એની સાથે એવું માલવેર હોય છે જે ફોનનો ઍક્સેસ દૂર બેસેલા સાઇબર ક્રિમિનલને આપી દે છે. એ ક્રિમિનલ દૂર બેસીને ફોનમાંથી પર્સનલ માહિતી ચોરી લે છે, ફોનધારકની જાણ બહાર બીજા લોકોને મેસેજ મોકલીને નાણાં માગી શકે છે, GPay અકાઉન્ટનો ઉપયોગ કરીને તમારું બૅન્ક-અકાઉન્ટ ખાલી પણ કરી શકે છે અને ફોનની પર્સનલ માહિતી મેળવીને બ્લૅકમેઇલ પણ કરી શકે છે.
પોલીસે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ‘તમે જાણતા હો એવી વ્યક્તિએ મોકલેલા વેડિંગ-ઇન્વિટેશનને જ ડાઉનલોડ કરજો. જો તમને લાગે કે તમારો ફોન હૅક થયો છે તો 1930 નંબર પર સાઇબર કમ્પ્લેઇન્ટ નોંધાવી શકો છો અથવા https://cybercrime.gov.in સાઇટ પર ફરિયાદ કરી શકો છો.’