10 February, 2023 09:58 AM IST | Shimla | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
શિમલા : હિમાચલ પ્રદેશના એક્સાઇઝ અને ટૅક્સેશન ડિપાર્ટમેન્ટે બુધવારે મોડી રાત્રે સોલાન જિલ્લામાં પરવાનુ ટાઉનમાં અદાણી વિલ્મર લિમિટેડના સ્ટૉક્સનું ઇન્સ્પેક્શન કર્યું હતું.
ડિપાર્ટમેન્ટ ભલે એને એક રૂટિન કાર્યવાહી ગણાવી રહ્યું હોય, પરંતુ અદાણી ગ્રુપની આ પેટા-કંપની પરનું આ ઇન્સ્પેક્શન એવા સમયે થયું છે કે જ્યારે આ રાજ્યમાં કૉન્ગ્રેસની સરકાર આ કંપની અને ટ્રક યુનિયન વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરી રહી છે. આ કંપનીએ નૂર દરોને લઈને વિવાદ થયા બાદ એના બે સિમેન્ટ પ્લાન્ટ્સને બંધ કરી દીધા હતા. વળી, બીજી તરફ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રુપની વિરુદ્ધ મૂકવામાં આવેલા ફ્રૉડના આરોપોને લઈને કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. સાઉથ ઝોનના એક્સાઇઝ અને ટૅક્સેશનના જૉઇન્ટ કમિશનર જી. ડી. ઠાકુરે કહ્યું હતું કે ‘રેકૉર્ડ્ઝની ચકાસણી કરતાં અમને અનેક વિસંગતતા જણાઈ છે. દરોડા હજી ચાલી રહ્યા છે.’ એક્સાઇઝ અને ટૅક્સ ડિપાર્ટમેન્ટે આ કંપનીના ડૉક્યુમેન્ટ્સની તપાસ કરવાનો અને સ્ટૉકનું ઇન્સ્પેક્શન કરવાનો નિર્ણય કર્યો હતો.