કૉન્ગ્રેસની જીત માટે આ રહ્યાં કારણો

14 May, 2023 12:06 PM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસે છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ જ અસરકારક રીતે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેની સીધી અસર થઈ

પ્રતીકાત્મક તસવીર

૧. પાંચ ગૅરન્ટી
કર્ણાટકમાં કૉન્ગ્રેસે પાંચ ગૅરન્ટીની જાહેરાત કરી અને સમગ્ર ચૂંટણીમાં પોતાના કૅમ્પેનમાં સામાન્ય લોકોને આ ગૅરન્ટી વિશે જણાવ્યું હતું. તેમણે પ્રૉમિસ આપ્યું હતું કે સરકાર બનશે તો ગૃહ જ્યોતિ યોજના હેઠળ દરેક પરિવારને ૨૦૦ યુનિટ સુધી વીજળી ફ્રી અપાશે. ગૃહ લક્ષ્મી યોજના હેઠળ પરિવાર ચલાવનારી મહિલાને ૨૦૦૦ રૂપિયા દર મહિને આપવામાં આવશે. એ ઉપરાંત મહિલાઓ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની બસમાં મુસાફરી ફ્રી રહેશે. યુવાનો પર ફોકસ કરીને પાર્ટીએ પ્રૉમિસ આપ્યું છે કે એ ગ્રેજ્યુએટ યંગસ્ટર્સને દર મહિને ૩૦૦૦ રૂપિયા આપશે, જ્યારે ડિપ્લોમાધારકોને ૧૫૦૦ રૂપિયા દર મહિને આપશે. એ ઉપરાંત ગરીબી રેખા હેઠળના પરિવારોને દર મહિને વ્યક્તિદીઠ ૧૦ કિલો ચોખા આપવાનું પણ વચન આપ્યું હતું.

૨. ભ્રષ્ટાચાર
કૉન્ગ્રેસે છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ જ અસરકારક રીતે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેની સીધી અસર થઈ.

૩. અગ્રેસિવ કૅમ્પેન
કૉન્ગ્રેસ પોતાના નેતાઓ વચ્ચે એકતા જાળવી રાખીને અગ્રેસિવ કૅમ્પેન ચલાવવામાં સફળ રહી હતી. વૉર્ડથી લઈને રાજધાની અને સોશ્યલ મીડિયા સુધી પાર્ટી અનેક મુદ્દા ઉઠાવતી રહી. અનેક વર્ષો પછી સોનિયા ગાંધીએ પણ વિધાનસભાની ચૂંટણી માટે કર્ણાટકમાં રૅલી કરી હતી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ સતત રાજ્યમાં પ્રચાર કરતા રહ્યાં હતાં. રાહુલ ગાંધીએ ૧૧ દિવસમાં ૨૩ રૅલી અને બે રોડ-શો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ ૯ દિવસમાં ૧૫ રૅલી અને ૧૧ રોડ-શો કર્યા હતા. કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ૧૫ દિવસમાં ૩૨ રૅલી અને એક રોડ-શો કર્યો હતો.

૪. સ્થાનિક મુદ્દાઓ
ચૂંટણીના છેલ્લા સમયે કૉન્ગ્રેસનું પૂરેપૂરું ફોકસ સ્થાનિક મુદ્દાઓ પર રહ્યું હતું. રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરાયું, અદાણી-હિંડનબર્ગ જેવા મુદ્દાઓને છોડીને કૉન્ગ્રેસે બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા અને અનામત જેવા મુદ્દાઓ વધારે ઉઠાવ્યા હતા.

૫. બીજેપીના નેતાઓને અપનાવ્યા
કૉન્ગ્રેસે બીજેપીના નારાજ નેતાઓને અપનાવ્યા હતા, જેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટાર અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન લક્ષ્મણ સાવદી પણ સામેલ છે. શેટ્ટાર લિંગાયતોના બનજિગા સંપ્રદાયમાંથી આવે છે.

national news karnataka congress