15 June, 2024 08:38 PM IST | Rome | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ
Hello From Melodi Team: G7 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા પીએમ મોદીનું ત્યાંના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રા દરમિયાન પીએમ મોદીએ વિશ્વના તમામ મોટા નેતાઓ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન ઇટલીના વડાપ્રધાન મેલોનીએ પણ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી હતી.
વડાપ્રધાન અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન મેલોનીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પીએમ મોદી સાથે જોવા મળી રહી છે. પીએમ સાથે હાથ મિલાવતી વખતે, તે 5 સેકન્ડના આ વીડિયોમાં કહે છે, “મેલોડી ટીમ તરફથી હેલ્લો.”
આ પહેલા ઇટલીના પીએમ સાથેની મુલાકાતને લઈને વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, “વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની મારી મુલાકાત ઘણી સારી રહી. G7માં ભાગ લેવા માટે ભારતને આમંત્રણ આપવા અને આ અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવા બદલ મેં તેમનો આભાર માન્યો. અમે વેપાર, ઊર્જા, સંરક્ષણ, ટેલિકૉમ્યુનિકેશન અને અન્ય ક્ષેત્રોમાં ઇટલી-ભારત સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. આપણા દેશો જૈવ ઇંધણ, ખાદ્ય પ્રક્રિયા અને મહત્વપૂર્ણ ખનિજો સહિતના ભવિષ્યના ક્ષેત્રોમાં સહયોગ કરવાનું ચાલુ રાખશે.”
તમને જણાવી દઈએ કે, G7 નેતાઓની બેઠક ગુરુવારે (13 જૂન) યોજાઈ હતી. તેમાં યુએસ પ્રમુખ જો બિડેન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાક, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ સામેલ હતા. આ દરમિયાન, ઉદ્ઘાટન ભાષણમાં, વિશ્વ નેતાઓએ કહ્યું કે, દક્ષિણ ઇટાલીને ગ્લોબલ સાઉથને મજબૂત સંદેશ આપવા માટે G7 સમિટ માટે પસંદ કરવામાં આવ્યું છે.
ઇટલીમાં વર્લ્ડ લીડર્સ સાથે મોદીની વાતચીત
ઇટલીમાં આયોજિત G7 શિખર સંમેલનમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉન, બ્રિટનના વડા પ્રધાન રિશી સુનક અને યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેન્સ્કીની મુલાકાત લીધી હતી અને વર્લ્ડ લીડર્સ સાથે અલગ-અલગ વાતચીત કરી હતી.
નરેન્દ્ર મોદી અને મૅક્રૉન વચ્ચે થયેલી મુલાકાત વિશે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે સ્થિર અને સમૃદ્ધ વૈશ્વિક વ્યવસ્થા માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે મજબૂત અને ભરોસાપાત્ર સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ મહત્ત્વની છે. વાતચીત વખતે બેઉ નેતાઓએ ‘મેક ઇન ઇન્ડિયા’ પર વધારે ધ્યાન આપવાની સાથે સ્ટ્રૅટેજિક સંરક્ષણ સહયોગને વધારવા પર સહમતી સાધી હતી. યુક્રેન અને ભારત વચ્ચે દ્વિપક્ષી સંબંધો વધારે મજબૂત બનાવવા મોદી-ઝેલેન્સ્કી વચ્ચે ચર્ચા થઈ હતી. મોદીએ રિશી સુનક સાથે કરેલી ચર્ચામાં સંરક્ષણ ક્ષેત્રમાં ઔદ્યોગિક સહયોગ વધારવા અને વેપાર તથા વાણિજ્યને વધારવા પર વાતચીત થઈ હતી.