ભારે વરસાદથી અયોધ્યાના રામપથ પર ખાડા પડ્યા

30 June, 2024 10:03 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

જળ નિગમ અને PWDના ૬ એન્જિનિયરો સસ્પેન્ડ: ઉત્તર પ્રદેશ સરકારે અમદાવાદના કૉન્ટ્રૅક્ટર ભુવન ઇન્ફ્રાકૉમ પ્રાઇવેટ લિમિટેડને પણ ફટકારી નોટિસ

રામપથ પરથી રામમંદિર તરફ જતા લોકો.

અયોધ્યામાં જ્યાંથી રામમંદિર જવાય છે એ રામપથ પર ભારે વરસાદ બાદ ખાડા પડી જતાં ઉત્તર પ્રદેશ સરકારે ગઈ કાલે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) અને જળ નિગમના ૬ એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દીધા હતા. ૧૪ કિલોમીટર લાંબા રામપથની નીચે ગટરની લાઇનો નાખવામાં આવી હતી અને રોડનું કામ બેદરકારીપૂર્વક કરવામાં આવ્યું હોવાને કારણે રાજ્ય સરકારે આ પગલું લીધું છે. રવિવારે અને મંગળવારે રાત્રે આવેલા વરસાદને કારણે રામપથ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા હતા અને વરસાદનું પાણી આસપાસનાં ઘરોમાં ઘૂસી ગયું હતું.

રવિવારે અને મંગળવારે વરસેલા વરસાદને કારણે રામપથની આસપાસ આવેલી ૧૫ બાય-લેન અને ગલીઓમાં પાણી ભરાઈ ગયું હતું અને જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ મુદ્દે રાજ્ય સરકારે અમદાવાદસ્થિત કૉન્ટ્રૅક્ટર ભુવન ઇન્ફ્રાકૉમ પ્રાઇવેટ લિમિટેડને પણ નોટિસ ફટકારી છે.

PWDના ઑર્ડરમાં જણાવવામાં આવ્યું હતું કે રામપથનું ઉપરનું લેયર એના બનાવ્યાના થોડા દિવસોમાં ઊખડી ગયું હતું. આનાથી ખબર પડે છે કે રાજ્ય સરકારના આ મહત્ત્વના પ્રોજેક્ટના બાંધકામમાં અધિકારીઓએ કેવી બેદરકારી દર્શાવી હતી. આના કારણે સામાન્ય લોકોમાં રાજ્યની પ્રતિમા ખરડાઈ છે. મંગળવારે વરસાદ બાદ રામપથ પર જે નુકસાન થયું છે એના ફોટોગ્રાફ્સ અને ​વિડિયો દેશભરમાં વાઇરલ થયાં હતાં અને એણે કરોડો લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.   

national news ayodhya monsoon news india