11 July, 2024 07:44 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ
દિલ્હી હાઈ કોર્ટે ગઈ કાલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પૉલિસીના મની લૉન્ડરિંગ કેસમાં તેમના જામીન મામલે તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવે એવી વિનંતીને ફગાવી દીધી હતી અને જામીનઅરજીની સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી હતી.
આ કેસમાં ઍડિશનલ સૉલિસિટર જનરલ એ. વી. રાજુએ કોર્ટને જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની અરજી પર કેજરીવાલનો જવાબ મોડી રાતે ૧૧ વાગ્યે તેમને આપવામાં આવ્યો હતો અને એજન્સીને રીજૉઇન્ડર ઍફિડેવિટ ફાઇલ કરવા માટે સમયની જરૂર છે. આ દલીલ સાંભળ્યા બાદ હાઈ કોર્ટનાં જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ આ કેસની સુનાવણી મુલતવી રાખી હતી.
જોકે EDના આ દાવાને પડકારતાં કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને કહ્યું હતું કે ‘જવાબની નકલ સવારે ૧૧ વાગ્યે મેઇલ પર મોકલવામાં આવી હતી. આ મામલે સુનાવણીની તાકીદની જરૂરત છે, કારણ કે કેજરીવાલને આપવામાં આવેલી જામીન પર હાઈ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. હું કાઉન્ટર ઍફિડેવિટ પર આધાર રાખ્યા વિના કેસની દલીલ કરવા તૈયાર છું.’ જોકે જસ્ટિસ કૃષ્ણાએ કહ્યું હતું કે જવાબનો જવાબ તૈયાર કરવા માટે ED હકદાર છે એટલે આ કેસની આગામી સુનાવણી ૧૫ જુલાઈએ થશે.