04 March, 2023 12:09 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરમાં એક કૉન્ટ્રૅક્ટર પાસેથી લાંચ લેતાં પકડાયાના એક દિવસ બાદ બીજેપીના વિધાનસભ્ય મડલ વિરુપક્ષપ્પાના દીકરા પ્રશાંત કુમારના ઘરમાંથી જપ્ત કરવામાં આવેલી કૅશની સાથે લોકાયુક્તના અધિકારીઓ. તસવીર: પી.ટી.આઇ.
બૅન્ગલોરઃ કર્ણાટકમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં બીજેપી માટે શરમજનક સ્થિતિ સર્જાઈ છે, જ્યારે કૉન્ગ્રેસના પેસીએમ અને ૪૦ ટકા સીએમ કૅમ્પેઇનને બળ મળ્યું છે. વાસ્તવમાં કર્ણાટકમાં બીજેપીના વિધાનસભ્યના અધિકારી-પુત્રના ઘરેથી સર્ચ દરમ્યાન ગઈ કાલે ૬ કરોડ રૂપિયાની કૅશ મળી આવી છે. જેના એક દિવસ પહેલાં તે લાંચ લેતાં પકડાયો હતો. નોંધપાત્ર છે કે કર્ણાટકમાં રાજ્ય સરકારના પ્રધાનો કૉન્ટ્રૅક્ટર્સ પાસેથી ૪૦ ટકાનું કમિશન માગતા હોવાના આરોપ બાદ કૉન્ગ્રેસ પેસીએમ અને ૪૦ ટકા સરકાર કૅમ્પેઇન ચલાવી રહી છે.
લોકાયુક્તની ઍન્ટિ-કરપ્શન વિંગે બીજેપીના વિધાનસભ્ય મડલ વિરુપક્ષપ્પાના દીકરા પ્રશાંત મડલના ઘરે દરોડો પાડતાં કૅશના ઢગલેઢગલા મળ્યા હતા. મોડી રાત સુધી સર્ચ ચાલી હતી. મડલ વિરુપક્ષપ્પા દેવનાગરી જિલ્લામાં ચન્નાગિરીમાંથી વિધાનસભ્ય છે. તેઓ માયસોર સૅન્ડલ સોપનું ઉત્પાદન કરતી સરકારની માલિકીની કર્ણાટક સોપ્સ ઍન્ડ ડિટર્જન્ટ લિમિટેડના ચૅરમૅન હતા. આ કૌભાંડની વિગતો બહાર આવતાં જ તેમણે ગઈ કાલે સવારે રાજીનામું આપ્યું હતું. તેમનો દીકરો બૅન્ગલોર વૉટર સપ્લાય ઍન્ડ સીવેજ બોર્ડનો ચીફ અકાઉન્ટન્ટ છે.
કર્ણાટક લોકાયુક્તના અધિકારીઓએ ગુરુવારે કર્ણાટક સોપ્સ ઍન્ડ ડિટર્જન્ટ લિમિટેડની ઑફિસમાં વિરુપક્ષપ્પાના દીકરાને ૪૦ લાખ રૂપિયાની લાંચ લેતાં પકડ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. ઑફિસમાંથી ૧.૭૫ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
કર્ણાટક લોકાયુક્તે કહ્યું હતું કે ‘લોકાયુક્તની ઍન્ટિ-કરપ્શન બ્રાન્ચે પ્રશાંત મડલની ગુરુવારે ધરપકડ કરી હતી.’
લોકાયુક્તને ૨૦૦૮ની બૅચના કર્ણાટક ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસિસ ઑફિસર પ્રશાંત વિશે એક ફરિયાદ સ્વરૂપે ટિપ મળી હતી. તેણે સાબુ અને ડિટર્જન્ટના ઉત્પાદન માટે જરૂરી રૉ-મટીરિયલ્સ માટે ડીલ કરવા માટેના કૉન્ટ્રૅક્ટમાંથી ૮૧ લાખ રૂપિયાનું કમિશન માગ્યું હતું.
લોકાયુક્તના બીએસ પાટીલે જણાવ્યું હતું કે ‘એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેને આધારે અમે છટકું ગોઠવ્યું હતું અને પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે. બીજેપીના વિધાનસભ્યની ભૂમિકાની પણ તપાસ થઈ રહી છે. સરકાર તરફથી કોઈ પ્રેશર નથી.’
બસવરાજ બોમ્મઈ - કર્ણાટકના મુખ્ય પ્રધાન
કૉન્ગ્રેસના શાસન દરમ્યાન લોકાયુક્ત બંધ કરાયું હતું. અનેક કેસ બંધ કરાયા હતા. અમે બંધ થયેલા કેસની તપાસ કરીશું. લોકાયુક્ત સ્વતંત્ર સંસ્થા છે. આ સંસ્થા સ્વતંત્ર રીતે તપાસ કરશે અને અમે એમાં કોઈ હસ્તક્ષેપ નહીં કરીએ.
રણદીપ સિંહ સુરજેવાલા - કૉન્ગ્રેસના નેતા
૪૦ ટકા સરકાર દ્વારા લૂંટ નિરંકુશ છે. બીજેપીના વિધાનસભ્યનો દીકરો ૪૦ લાખ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ પકડાયો અને હવે તેના ઘરેથી કરોડો રૂપિયા રિકવર કરવામાં આવ્યા. પિતા ચૅરમૅન અને દીકરો રૂપિયા લે છે.