એકસાથે અનેક મૃતદેહો જોઈને હાર્ટ-અટૅકથી મરી ગયો સિપાહી

03 July, 2024 09:10 AM IST  |  Hathras | Gujarati Mid-day Correspondent

સત્સંગમાં વહેંચાતું દિવ્ય પાણી પીવામાં નાસભાગ થઈ કે ગુરુજીને પગે લાગવામાં?

નાસભાગ મચી ગઈ એ પહેલાં સત્સંગમાં બેઠેલા લોકો

ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી નાસભાગમાં ૧૧૬ શ્રદ્ધાળુઓનાં મૃત્યુ થયા બાદ વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્યની ક્વિક રિસ્પૉન્સ ટીમને ડ્યુટી પર લગાવવામાં આવી હતી. જોકે આ ઘટના એટલી ભયાનક હતી કે મૃતદેહોની વ્યવસ્થા કરવામાં લાગેલા રવિ યાદવ નામના સિપાહીને હાર્ટ-અટૅક આવતાં જગ્યા પર જ તેમનું મૃત્યુ થયું હતું. એકસાથે આટલા મૃતદેહો જોઈને રવિ યાદવ હેબતાઈ ગયો હતો.

સત્સંગ પૂરો થયા બાદ તમામ શ્રદ્ધાળુઓ એકસાથે પાણી પીવા માટે ગયા હતા. એવું માનવામાં આવે છે કે ભોલે બાબાના સત્સંગમાં જે પણ ભક્ત જાય એ ત્યાં વહેંચવામાં આવતું પાણી પીએ તો તેમની તમામ તકલીફો દૂર થઈ જાય છે. આ પાણી પીવા માટે મોટી લાઇન લાગી હતી અને એ દરમ્યાન જ ત્યાં નાસભાગ થઈ હતી.

બીજી એક થિયરી એવી છે કે પંડાલમાંથી ગુરુજીની કાર નીકળી ત્યારે તેમને પગે લાગવા માટે લોકો દોડ્યા હતા એટલે ગિરદીને લીધે નાસભાગ થઈ હતી અને લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા. ગઈ કાલે આ ઘટના બની ત્યારે ત્યાં એકાદ લાખ લોકો હાજર હતા એવું કહેવાય છે.

uttar pradesh national news