08 July, 2024 02:28 PM IST | Meerut | Gujarati Mid-day Online Correspondent
પાખંડી નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા (ફાઇલ તસવીર)
ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ધાર્મિક સત્સંગ દરમિયાન થયેલી નાસભાગની ઘટનામાં (Hathras Stampede) હવે પોલીસ દ્વારા વધુ તીવ્ર ગતિએ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બધી તપાસ વચ્ચે સત્સંગના આયોજક નારાયણ હરિ સાકાર ઉર્ફે ‘ભોલે બાબા’ના વકીલે નવો અને દરેકને ચોંકાવનારો દાવો કર્યો છે. ભોલે બાબાના વકીલ મુજબ હાથરસમાં સત્સંગ દરમિયાન લોકોએ ઝેરી પદાર્થોથી ભરેલા કેન ખોલ્યા હતા, જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી.
આરોપી બાબાના વકીલના જણાવ્યા અનુસાર, ઘટના દરમિયાન હાજર રહેલા લોકોએ તેમને કહ્યું કે બીજી જુલાઈના રોજ થયેલી નાસભાગ ઝેરી પદાર્થના (Hathras Stampede) કારણે થઈ હતી. તેમ જ આ ઘટના એક કાવતરું હતું. સત્સંગમાં આવેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ભોલે બાબાએ ભક્તોને તેમના પગ પાસેની માટી લઈ જવાનું કહ્યું ત્યારે આ ઘટના બની. ભક્તો ઉતાવળમાં માટી લેવા દોડ્યા, પરંતુ તેઓ એકબીજા પર પડી ગયા અને આ દરમિયાન બાબાનો કાફલો નાસભાગની વચ્ચે આગળ ચાલ્યો ગયો.
ભોલે બાબાના વકીલે દાવો કર્યો છે કે “બાબાની વધતી લોકપ્રિયતાને (Hathras Stampede) કારણે આ કાવતરું રચવામાં આવ્યું હતું. ઘટના બાદ મળે અનેક લોકોએ મારો સંપર્ક કર્યો અને કહ્યું કે 15-16 લોકો ત્યાં ઝેરી પદાર્થના કેન લઈને આવ્યા હતા, જે તેમણે ભીડમાં ખોલ્યા હતા. મેં ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ જોયા છે અને તે દર્શાવે છે કે આ લોકોનું મૃત્યુ ઈજાના કારણે નહીં પણ શ્વાસ રૂંધાવાથી થયું છે. ઘટના સ્થળેથી લોકોને ભાગી છૂટવા માટે વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. અમારી પાસે પુરાવા છે અને અમે તે અદાલતમાં રજૂ કરીશું. આ પહેલી વાર હું આ બાબતે બોલી રહ્યો છું.
આ સાથે વકીલે પણ તેમનો સંપર્ક કરનારા સાક્ષીઓના નામ ન આપવાની પણ મનાઈ કરી અને તેમણે કહ્યું, `તેમની સુરક્ષા માટે અમે માગણી કરીશું.` ઉત્તર પ્રદેશના હાથરસમાં સ્વયંભૂ બાબા સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકર હરિ ઉર્ફે `ભોલે બાબા`ના સત્સંગ બાદ નાસભાગની ઘણા બની હતી. આ સત્સંગમાં આવેલા લોકો મોટાભાગે અલીગઢ અને હાથરસના રહેવાસી હતા.
યુપી પોલીસે આ દુર્ઘટના અંગે મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકર સહિત (Hathras Stampede) નવ લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મધુકર સત્સંગનો મુખ્ય આયોજક અને ફંન્ડિંગ આપનાર હતો. આરોપીએ 80,000 લોકોની મંજૂરી લીધી હતી, પરંતુ તેણે અઢી લાખથી વધુ લોકો અહીં ભેગા કર્યા હતા. જો કે સિકન્દ્રા રાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં ભોલે બાબાને આરોપી ગણાવવામાં આવ્યા નથી અને આ મામલે વધુ તપાસ શરૂ થઈ છે.