હાથરસ હોનારત : બેદરકારી બદલ છ સરકારી અધિકારીઓ સસ્પેન્ડ

10 July, 2024 11:55 AM IST  |  Hathras | Gujarati Mid-day Correspondent

આ કેસમાં સત્સંગનું આયોજન કરનારા મુખ્ય સેવાદાર દેવ પ્રકાશ મધુકર સહિત ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે

ફાઇલ તસવીર

ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગ સમાપન સમયે થયેલી નાસભાગમાં ૧૨૧ લોકોનાં મૃત્યુની દુર્ઘટનાની તપાસ બાદ છ સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં સત્સંગનું આયોજન કરનારા મુખ્ય સેવાદાર દેવ પ્રકાશ મધુકર સહિત ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં જાણવા મળ્યું હતું કે જે સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટે આ સત્સંગ માટે પરવાનગી આપી હતી તેણે સત્સંગ સ્થળની મુલાકાત સુધ્ધાં લીધી નહોતી અને તેણે સિનિયર અધિકારીઓને આની જાણકારી પણ આપી નહોતી. સસ્પેન્ડ કરાયેલા અન્ય અધિકારીઓમાં સર્કલ-ઑફિસર અને તહેસીલદારનો સમાવેશ છે.

SITના અહેવાલમાં શું કહેવામાં આવ્યું?

સત્સંગના આયોજકો, પોલીસ અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ અઢી લાખ લોકો આવવાના હોવા છતાં યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડ્યા હતા અને સરકારી અધિકારીઓએ તેમની ફરજ પ્રત્યે બેદરકારી દર્શાવી હતી. આ સત્સંગને તેમણે ગંભીરતાથી લીધો નહોતો. ૮૦,૦૦૦ લોકો આવશે એવું જણાવવામાં આવ્યું હતું અને અઢી લાખ લોકો આવ્યા હતા, છતાં તેમના માટે એક જ એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ હતો.

uttar pradesh national news