સત્સંગ પછી માતમ

03 July, 2024 09:00 AM IST  |  Hathras | Gujarati Mid-day Correspondent

એકાદ લાખ લોકો હતા સત્સંગમાં : જીવ ગુમાવનારા લોકોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો : મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે હાથરસ જવાના છે : ઉત્તર પ્રદેશમાં હૃદયદ્રાવક કરુણાંતિકા, ૧૩ વર્ષ પછી યોજાયેલા ભોલે બાબાના કાર્યક્રમ પછી નાસભાગને પગલે ૧૧૬ જણના જીવ ગયા

નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ બસમાં ખડકીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના મુગલગઢીના રતીભાનપુરમાં ગઈ કાલે ભોલે બાબાના સત્સંગના સમાપન સમારોહમાં નાસભાગ મચી હતી અને એમાં ત્રણ બાળકો સહિત ૧૧૬ લોકોનાં મૃત્યુ થયાં છે. મરનારાઓમાં મોટા ભાગે મહિલા અને બાળકોનો સમાવેશ છે. ઘાયલોની સંખ્યા ૧૮ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે હાથરસ જશે.

હાથરસના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ આશિષ કુમારે કહ્યું હતું કે ૨૫ મહિલા અને ત્રણ બાળકો સહિત ૨૭ મૃતદેહો એટાની હૉસ્પિટલ પહોંચ્યા છે.

સત્સંગનો આ કાર્યક્રમ ૧૩ વર્ષ બાદ યોજાયો હતો અને એને માટે ત્રણ કલાકની પરમિશન મળી હતી, જેમાં એક લાખથી વધુ લોકો સહભાગી થયા હતા. સત્સંગ કાર્યક્રમ પૂરો થયો એ પછી નાસભાગ મચી હતી. વરસાદ પડવાને કારણે થયેલા કીચડમાં લોકો એકબીજા પર પડ્યા હતા અને તેમને ગાઇડ કરવા માટે કોઈ ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લઈને તપાસ માટે કમિટી બનાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ આ ઘટના ​વિશે શોક વ્યક્ત કર્યો છે.

કોણ છે ભોલે બાબા?

વિશ્વ હરિ ભોલે બાબાને લોકો ભોલે બાબા તરીકે જાણે છે. તેમનું મૂળ નામ સૂરજ પાલ છે અને એ કાસગંજના રહેવાસી છે. તેમના કોઈ ગુરુ નથી. ૧૭ વર્ષ પહેલાં પોલીસની નોકરીમાંથી વૉલન્ટરી રિટાયરમેન્ટ લીધા બાદ તેમને એકાએક ભગવાનનો સાક્ષાત્કાર થયો હતો. તેમને જાણવા મળ્યું હતું કે તેમનું શરીર પરમાત્માનો અંશ છે અને એ સમયથી તેમનો ઝુકાવ અધ્યાત્મ તરફ વળ્યો હતો. ઉત્તર પ્રદેશ ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તેમના મોટા પ્રમાણમાં અનુયાયી છે.

uttar pradesh national news