જ્ઞાનવાપી કેસની કોર્ટમાં સુનાવણી થશે, મસ્જિદ કમિટીની માગણી ફગાવી દેવાઈ

01 June, 2023 10:09 AM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

અલાહાબાદ હાઈ કોર્ટે દેવીદેવતાઓની નિયમિત પૂજા કરવાના અધિકાર માટેના સિવિલ દાવાની લોકલ કોર્ટમાં સુનાવણીને બંધ કરી દેવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી

જ્ઞાનવાપી મસ્જિદ

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને સંબંધિત એક મુખ્ય કેસમાં મસ્જિદ કમિટીને ગઈ કાલે પછડાટ મળી હતી. અલાહાબાદ હાઈ કોર્ટે ગઈ કાલે લોકલ કોર્ટમાં એક સિવિલ દાવાની ચાલી રહેલી સુનાવણીને બંધ કરી દેવાની માગણી કરતી એક અરજીને ફગાવી દીધી હતી.

અદાલતે ચુકાદામાં જણાવ્યું હતું કે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ કૉમ્પ્લેક્સમાં પૂજા કરવાના અધિકારની માગણી કરતી હિન્દુ મહિલા શ્રદ્ધાળુઓના એક ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલો દાવો વેલિડ છે. અદાલતે વારાણસીની જિલ્લા અદાલતમાં આ કેસની સુનાવણી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.

આ કેસમાં દાવો કરનારાં લક્ષ્મી દેવી, રેખા પાઠક, સીતા સાહુ અને મંજુ વ્યાસે ઑગસ્ટ ૨૦૨૧માં કેસ દાખલ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ મસ્જિદ કૉમ્પ્લેક્સમાં દેવી શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવીદેવતાઓની મૂર્તિઓ છે અને તેમણે આ દેવીદેવતાઓની નિયમિત પૂજા કરવાનો અધિકાર માગ્યો હતો.

આ પહેલાં સપ્ટેમ્બર ૨૦૨૨માં વારાણસી ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા પણ આ કેસમાં સુનાવણી કરવા દેવામાં આવશે એવો ચુકાદો આપવામાં આવ્યો હતો. અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટી અને ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડે સપ્ટેમ્બર ૨૦૨૨ના ચુકાદાને ઊથલાવવા માટે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે એવી દલીલ કરી હતી કે ઉપાસનાનાં સ્થળો કાયદા, ૧૯૯૧ અને કેન્દ્રીય વકફ કાયદા, ૧૯૯૫ હેઠળ આ અરજી સુનાવણી યોગ્ય નથી. અલાહાબાદ હાઈ કોર્ટે દલીલો સાંભળ્યા બાદ ૨૦૨૨ની ૨૩ ડિસેમ્બરે પોતાનો નિર્ણય રિઝર્વ રાખ્યો હતો. નોંધપાત્ર છે કે એપ્રિલ ૨૦૨૧માં વારાણસી અદાલતે હિન્દુ ગ્રુપ્સની એક અરજી પર આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાને ​આ મસ્જિદ કૉમ્પ્લેક્સનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.

national news varanasi uttar pradesh allahabad