05 December, 2022 10:23 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નવી દિલ્હી : ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતામાં બીજાનું ધર્મપરિવર્તન કરવાના અધિકારનો સમાવેશ થતો નથી. સરકારે લગ્ન બાદ ધર્મપરિવર્તન પહેલાં જિલ્લા મૅજિસ્ટ્રેટની પરવાનગી લેવાની જોગવાઈ પર હાઈ કોર્ટ દ્વારા મૂકવામાં આવેલા સ્ટેને હટાવવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી. ગુજરાત હાઈ કોર્ટે ૨૦૨૧ના ૧૯ અને ૨૬ ઑગસ્ટે આપેલા સ્ટેમાં રાજ્યના ફ્રીડમ ઑફ રિલીજન ઍક્ટ ઑફ ૨૦૦૨ની કલમ 5ની કામગીરી પણ રોક લગાડવામાં આવી હતી. અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે હાઈ કોર્ટના સ્ટેને હટાવવામાં આવે જેથી ગુજરાતમાં જબરદસ્તી, લાલચ અથવા છેતરપિંડીના માધ્યમથી ધર્મપરિવર્તનને પ્રતિબંધ કરવા પર અમલ કરી શકાય. ધર્મની સ્વતંત્રતાના અધિકારામાં અન્ય લોકોનું ધર્મપરિવર્તન કરવાના અધિકારનો સમાવેશ થતો નથી.
રાજ્યની વિધાનસભામાં બંધારણના કલમ નંબર ૨૫માં પ્રચાર શબ્દના અર્થ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તમામ વાતના સમાવેશ બાદ જ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. મૂળભૂત અધિકારમાં ધર્મપરિવર્તન કરાવવાના અધિકારનો સમાવેશ થતો નથી. વળી કોર્ટે જ કહ્યું છે કે છેતરપિંડી અને લાલચ દ્વારા કરાવવામાં આવતું ધર્મપરિવર્તન જાહેર વ્યવસ્થાને તો હાનિ પહોંચાડે જ છે, વળી વ્યક્તિને પણ અસર કરે છે. એથી એને નિયંત્રણમાં લાવવું રાજ્ય સરકારની સત્તામાં આવે છે.