08 November, 2022 11:30 AM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
અસદુદ્દીન ઓવૈસી
ગુજરાતના સુરતમાં જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) પર સોમવારે મોડી રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એઆઈએમઆઈ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) પણ સવાર હતાં. જોકે, ઓવૈસી આ ઘટનામાં માંડ માંડ બચી ગયા છે, પરંતુ ટ્રેનની બારીના કાચને નુકસાન થયું છે. સુરતથી આશરે 20થી 25 કિલોમીટર પહેલા ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો. રેલવે તંત્રએ આ ઘટનાની નોંધ લઈ તપાસ માટે આદેશ આપ્યાં છે, તો બીજી બાજુ પથ્થરમારાની ઘટનાને લઈ રાજનીતિએ ગતિ પકડી છે. AIMIMની પ્રવક્તા વારિસ પઠાને કહ્યું કે પથ્થરમારો ઈરાદાપુર્વક કરવામાં આવ્યો હતો, જેથી ઓવૈસીની ચૂંટણીમાં વધુ સક્રિયતાને અટકાવી શકાય.
પાર્ટી નેતા વારિસ પઠાને ટ્વિટ કરી કહ્યું કે "આજે સાંજે અમે, ઓવૈસી સાહેબ અને AIMIM નેશનલ ટીમ અમદાવાદથી સુરત જવા માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતાં તે દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરી બારીના કાચ તોડી નાખ્યા હતાં."
આ પણ વાંચો: ચંદ્રગ્રહણ: મુંબઈ અને ગુજરાતમાં આટલા વાગ્યે દેખાશે, આ રાશિના જાતકોએ સાવધાન રહેવું
વારિસે પઠાને વધુમાં જણાવ્યું કે, એઆઈએમઆઈએમ પ્રમુખ ઓવૈસી જે કોચમાં યાત્રા કરી રહ્યાં હતાં કે કોચની બારી પથ્થરમારાને કારણે તૂટી ગઈ છે. તેમણે ઓવૈસીની યાત્રાની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. વારિસ પઠાને પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે `મોદીજી તમે પથ્થરો વરસાવો કે આગ વરસાવો , આ હકનો અવાજ ન અટક્યો છે ન અટકશે.`