02 October, 2023 09:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સપ્ટેમ્બરમાં ગ્રોસ જીએસટી કલેક્શન ૧૦ ટકા વધીને ૧.૬૨ લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. અત્યારના નાણાકીય વર્ષમાં ચોથી વખત ગ્રોસ જીએસટી કલેક્શન ૧.૬ લાખ કરોડ રૂપિયા કરતાં વધારે રહ્યું છે.
ગયા મહિને કલેક્ટ કરવામાં આવેલી ગ્રોસ જીએસટી રેવન્યુ ૧,૬૨,૭૧૨ કરોડ રૂપિયા હતી, જેમાંથી કેન્દ્રીય જીએસટી ૨૯,૮૧૮ કરોડ રૂપિયા હતું, રાજ્ય જીએસટી ૩૭,૬૫૭ કરોડ રૂપિયા, સંકલિત જીએસટી ૮૩,૬૨૩ કરોડ (ગુડ્સની આયાત પર કલેક્ટ કરવામાં આવેલા ૪૧,૧૪૫ કરોડ રૂપિયા સામેલ) અને સેસ ૧૧,૬૧૩ કરોડ (આયાત કરવામાં આવેલી વસ્તુઓ પર કલેક્ટ કરવામાં આવેલા ૮૮૧ કરોડ રૂપિયા) હતું.
નાણાં મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ૨૦૨૩માં રેવન્યુ ગયા વર્ષે આ જ મહિનામાં કલેક્ટ કરવામાં આવેલી ૧.૪૭ લાખ કરોડ રૂપિયાની જીએસટી રેવન્યુથી ૧૦ ટકા વધારે છે.
નાણાં મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ મહિના દરમ્યાન ઘરઆંગણે ટ્રાન્ઝૅક્શન્સ (સર્વિસિસની આયાત સહિત)થી રેવન્યુ ગયા વર્ષે આ જ મહિના દરમ્યાન આ સોર્સિસથી મળતી રેવન્યુ કરતાં ૧૪ ટકા વધારે છે.