20 January, 2025 02:52 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં પોતાનાં લગ્નની કંકોતરી આપવા ગયેલા યુવાનનું કારમાં આગ લાગવાથી મૃત્યુ
દિલ્હીના ગ્રેટર નોએડા વિસ્તારમાં રહેતો અનિલ નામનો યુવાન શનિવારે પોતાનાં લગ્નની કંકોતરી વહેંચવા ગયો હતો, પણ ગાઝીપુર વિસ્તારમાં બાબા બૅન્ક્વેટ હૉલ પાસે રાતે તેની કારમાં આગ લાગવાથી તેનું મૃત્યુ થયું હતું. તેનાં લગ્ન ૧૪ ફેબ્રુઆરીએ હતાં અને સવારથી તે કંકોતરી વહેંચવા નીકળ્યો હતો. મોડી રાત સુધી તે ઘરે આવ્યો નહોતો, પણ રાતે ૧૧.૩૦ વાગ્યે તેના ભાઈ સુમીતને પોલીસનો ફોન આવ્યો હતો કે કારમાં આગ લાગવાથી અનિલનું મૃત્યુ થયું છે. પોલીસે જણાવ્યું હતું કે કારમાં સળગી જવાથી તેનું મૃત્યુ થયું છે. તેની વૅગન-આર કાર પણ પૂરી બળી ગઈ હતી. આગનું કારણ જાણવા મળ્યું નથી. અનિલ તેની સાથે કામ કરતા યોગેશ નામના સહકર્મીની બહેન સાથે લગ્ન કરવાનો હતો. પોલીસે આગનાં કારણો તપાસવાનો આદેશ આપ્યો છે.