27 February, 2023 09:37 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહોબાઃ ઉત્તર પ્રદેશના મહોબામાં ટક્કર મારીને વાહનની નીચે ઘસડવાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. અહીં શનિવારે સાંજે એક ટ્રકચાલકે છ વર્ષના એક બાળકને બેથી વધુ કિલોમીટર સુધી ટ્રકની નીચે ઘસડ્યું હતું, જેને કારણે આ બાળકનું મોત થયું હતું. આ અકસ્માતમાં બાળકના દાદાનું પણ મોત થયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ૬૭ વર્ષના ઉદિત નારાયણ ચનસોરિયા અને તેમનો પૌત્ર સાત્વિક માર્કેટમાં જઈ રહ્યા હતા. એ સમયે ખૂબ જ સ્પીડમાં આવી રહેલી એક ડમ્પર ટ્રકે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. ટક્કરથી ઉદિત દૂર ફંગોળાઈ ગયા અને ત્યાં જ તેમનું મોત થયું હતું. જોકે ટ્રકે સાત્વિક અને ટૂ-વ્હીલરને બેથી વધુ કિલોમીટર સુધી ઘસડ્યાં હતાં. કાનપુર-સાગર હાઇવે એનએએચ-૮૬ પર આ ઘટના બની હતી.
આ ઘટનાનો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે આ ટ્રકની પાસેથી પસાર થતા અનેક બાઇકચાલકોએ ટ્રકના ડ્રાઇવરને અલર્ટ કરવાની કોશિશ કરી હતી.
લોકોએ રસ્તા પર પથ્થરો ફેંક્યા બાદ આખરે ટ્રક રોકાઈ હતી. રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ આ ટ્રકના ડ્રાઇવરને માર માર્યો હતો. પોલીસે ટ્રકને જપ્ત કરી છે અને એના ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો છે.