સરકાર કાર માટે ૬ ઍરબૅગ ફરજિયાત નહીં કરે : ગડકરી

14 September, 2023 09:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું

નીતિન ગડકરી

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે સરકાર કાર માટે છ ઍરબૅગ ફરજિયાત નહીં કરે.

નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ‘અમે કાર માટે ફરજિયાત છ ઍરબૅગનો નિયમ લાવવા માગતા નથી.’ નોંધપાત્ર છે કે ગયા વર્ષે ૨૯ સપ્ટેમ્બરે સરકારે પૅસેન્જર કારમાં ફરજિયાત છ ઍરબૅગના પ્રસ્તાવના અમલને પહેલી ઑક્ટોબર ૨૦૨૩ સુધી મોકૂફ રાખ્યો હતો.

સરકારે ૮-સીટર વેહિકલમાં છ ઍરબૅગ ફરજિયાત બનાવવા માટે આ પહેલાં પ્લાનિંગ કર્યું હતું.  આ પહેલાં ગડકરીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ‘ઑટો ઇન્ડસ્ટ્રી અત્યારે ગ્લોબલી સપ્લાય ચેઇનમાં જે અવરોધોનો સામનો કરી રહી છે એને ધ્યાનમાં રાખતાં પૅસેન્જર કાર (એમ-૧ કૅટેગરી)માં મિનિમમ છ ઍરબૅગ ફરજિયાત કરતા પ્રસ્તાવનો અમલ પહેલી ઑક્ટોબર ૨૦૨૩થી કરવાનો નિર્ણય લેવાયો છે.’

ઇલેક્ટ્રિક હાઇવે બનાવશે સરકાર

ગડકરીએ ગઈ કાલે એમ પણ જણાવ્યું હતું કે ‘સરકાર ઇલેક્ટ્રિક હાઇવેઝ ડેવલપ કરવા માટે કામગીરી કરી રહી છે. મેં વીજ મંત્રાલયની સાથે ચર્ચા કરી છે. હું ૩.૫૦ રૂપિયા પ્રતિ યુનિટના દરે ઇલેક્ટ્રિસિટી મેળવવાની કોશિશ કરી રહ્યો છું. બાકી તો કમર્શિયલ પાવર રેટ ૧૧ રૂપિયા પ્રતિ યુનિટ છે.’

nitin gadkari indian government national news