08 January, 2025 12:37 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સોશ્યલ મીડિયા
કેન્દ્ર સરકારે ઑસ્ટ્રેલિયાની જેમ બાળકોના સોશ્યલ મીડિયા વપરાશ પર પ્રતિબંધ લાવવાના મુદ્દે કહ્યું છે કે આવો પ્રતિબંધ લાવવામાં નહીં આવે પણ બાળકોનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ બનાવવા માટે માતા-પિતાની સહમતી જરૂરી બનાવવામાં આવશે.
દેશમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) ઍક્ટના ડ્રાફ્ટમાં આ સંદર્ભની ઘણી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેક્રેટરી એસ. કૃષ્ણને જણાવ્યું હતું કે ‘બાળકોનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ બનાવવા માટે ઑસ્ટ્રેલિયા જેવો પ્રતિબંધ લાવવામાં નહીં આવે. જ્યાં સુધી પ્રતિબંધનો સવાલ છે ત્યાં સુધી મને નથી લાગતું કે આ મુદ્દે હજી ચર્ચા થઈ છે. મારો કહેવાનો મતલબ છે કે અમે આ વાત પર વિચાર કરીએ છીએ કે બાળકોને થતું નુકસાન કેવી રીતે રોકી શકાય અને એના માટે કયા ઉપાય કરવા જોઈએ. બાળકોનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ બનાવવા પર પૂર્ણ પ્રતિબંધના મુદ્દે કોઈ વાત થઈ નથી.’
કેન્દ્ર સરકારે ઑસ્ટ્રેલિયાની જેમ દેશમાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાના બદલે નવો વિચાર કર્યો છે. નવા કાયદા હેઠળ બાળકોનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ બનાવવા માટે સૌથી પહેલાં માતા-પિતાએ લેખિતમાં સહમતી આપવી પડશે. આ રીતે સરકાર સુનિશ્ચિત કરવા માગે છે કે બાળકો સુરક્ષિત રીતે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે.