10 April, 2023 12:24 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જમ્મુમાં ગઈ કાલે જરૂરિયાતમંદ બાળકોમાં માસ્કનું વિતરણ કરી રહેલા કૉલેજ સ્ટુડન્ટ્સ અને એનજીઓના સ્વયંસેવકો.
ભારતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે કેટલાંક રાજ્યોએ ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ ફરી લાગુ કર્યો છે.
કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ આ અઠવાડિયાની શરૂઆતમાં એક મીટિંગમાં સ્થિતિની સમીક્ષા કરી હતી અને સાથે જ રાજ્યોને અલર્ટ રહેવા તેમ જ હૉસ્પિટલોમાં તૈયારીઓની સમીક્ષા કરવા જણાવ્યું હતું. આજે અને આવતી કાલે સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ઇમર્જન્સી તૈયારીઓની સમીક્ષા કરવા દેશવ્યાપી મૉક ડ્રિલ માટે પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
કોરોનાની મહામારીની ચોથી લહેરની આશંકા વચ્ચે આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે ‘અલર્ટ રહેવાની જરૂર છે.
અત્યારે XBB1.16 સબ વેરિઅરન્ટના કારણે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.’
હરિયાણા
હરિયાણા સરકારે જાહેર સ્થળોએ ફેસ-માસ્ક ફરજિયાત પહેરવાનો નિયમ લાગુ કર્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે લોકોને કોરોનાને ફેલાતો રોકવા માટેના ઉપાયોનું પાલન કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : અંધેરી, બાંદરા અને ગ્રાન્ટ રોડમાં સાત દિવસમાં નોંધાયા કોરોનાના સૌથી વધુ કેસ
કેરલા
કેરલાએ પ્રેગ્નન્ટ મહિલાઓ, વૃદ્ધો તેમ જ ટાઇપ-2 ડાયાબિટીઝ અને હાર્ટ-ડિસીઝ જેવા લાઇફસ્ટાઇલ બીમારીઓના દરદીઓ માટે ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ લાગુ કર્યો છે. કેરલાનાં આરોગ્યપ્રધાન વીણા જ્યૉર્જે આરોગ્ય વિભાગને મેડિકલ ઑક્સિજન હૉસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં અવેલેબેલ રહે એની ખાતરી કરવા જણાવ્યું છે.
પૉન્ડિચેરી
પૉન્ડિચેરી ઍડ્મિનિસ્ટ્રેશને જાહેર સ્થળોએ ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ લાગુ કર્યો છે. હૉસ્પિટલો, હોટેલો, રેસ્ટોરાં, લિકર શૉપ્સ, હૉસ્પિટૅલિટી, એન્ટરટેઇનમેન્ટ સેક્ટર્સ, સરકારી ઑફિસો અને કમર્શિયલ સંસ્થાનોમાં કામ કરતા સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવો પડશે.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ સરકારે તમામ ઍરપોર્ટ્સ પર ઇન્ટરનૅશનલ પૅસેન્જરોનું ટેસ્ટિંગ કરવાનો આદેશ અધિકારીઓને આપ્યો છે.
દિલ્હી
દિલ્હીમાં હૉસ્પિટલો, પૉલિક્લિનિક્સ અને ડિસ્પેન્સરીઝને ટેસ્ટિંગ વધારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.