30 December, 2022 12:01 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ટેસ્ટિંગ અને ટ્રૅકિંગનું પ્રમાણ વધ્યું : ગુરુગ્રામમાં ગઈ કાલે કોવિડ ટેસ્ટ માટે એક વ્યક્તિનાં સ્વૉબ સૅમ્પલ કલેક્ટ કરી રહેલો હેલ્થ વર્કર. કોરોનાના કેસમાં વધારો થવાના ભય વચ્ચે દેશમાં ટેસ્ટિંગ અને ટ્રૅકિંગનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત રસીકરણ કાર્યક્રમ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
કોરોનાની નવી લહેરના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ચીન, હૉન્ગકૉન્ગ, જપાન, સાઉથ કોરિયા, સિંગાપોર અને થાઇલૅન્ડમાંથી આવતા પૅસેન્જર્સ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત રહેશે. આ દેશોમાં કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થયો છે. આરોગ્યપ્રધાને ટ્વીટ કર્યું હતું કે ‘ચીન, હૉન્ગકૉન્ગ, જપાન, સાઉથ કોરિયા, સિંગાપોર અને થાઇલૅન્ડથી આવનારી વ્યક્તિઓ માટે પહેલી જાન્યુઆરી, ૨૦૨૩થી ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટનો નિયમ બનાવાયો છે. તેમણે ટ્રાવેલિંગ કરતાં પહેલાં ઍર સુવિધા પોર્ટલ પર તેમના રિપોર્ટ્સ અપલોડ કરવાના રહેશે.’
ભારતની જર્ની શરૂ કર્યાના ૭૨ કલાક પહેલાં આ ટેસ્ટ કરી હોવી જોઈએ. નોંધપાત્ર છે કે ભારતમાં આવતી તમામ ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સના તમામ ઇન્ટરનૅશનલ પૅસેન્જર્સમાંથી બે ટકાના રૅન્ડમ ટેસ્ટ્સ ઑલરેડી કરવામાં આવી રહ્યાં છે. જેમાં અનેક ઇન્ટરનૅશનલ પૅસેન્જર્સ કોરોના પૉઝિટિવ આવ્યા છે.