17 March, 2025 10:49 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નૅશનલ હાઇવેઝ પર જ્યાં વધારે અકસ્માત થાય છે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે નૅશનલ હાઇવેઝ પર જ્યાં વધારે અકસ્માત થાય છે એવાં કુલ ૧૩,૭૯૫ બ્લૅક સ્પૉટ શોધી કાઢવામાં આવ્યાં છે અને એમાંથી આશરે ૫૦૩૬ બ્લૅક સ્પૉટને કેન્દ્ર સરકારે દૂર કર્યાં છે.
સરકારી માહિતી મુજબ દર વર્ષે આશરે પાંચ લાખથી વધારે અકસ્માતો નોંધાય છે અને એમાં એક લાખથી વધારે લોકો મૃત્યુ પામે છે.
સરકારે બ્લૅક સ્પૉટને શોધીને તાત્કાલિક ધોરણે ટૂંકા ગાળાનાં પગલાં તરીકે રોડમાર્કિંગ, ક્રૅશ બૅરિયર્સ, ખોટી રીતે પાડવામાં આવેલા યુ-ટર્નને બંધ કરવા જેવાં પગલાં લીધાં છે. લાંબા ગાળાના પગલાં તરીકે આવા સ્થળે અન્ડરપાસ, ઓવરપાસ બાંધવાની વિચારણા થઈ રહી છે.
બ્લૅક સ્પૉટને હટાવવા માટે અને સાવચેતીનાં પગલાં લેવા માટે એક રાષ્ટ્રીય સમિતિની પણ રચના કરવામાં આવી છે, જેમાં વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓનો સમાવેશ છે. આ સમિતિની સમયાંતરે બેઠકો યોજવામાં આવે છે.
e-DARની સ્થાપના
માર્ગ-અકસ્માતોના ડેટાના રિપોર્ટિંગ, મૅનેજમેન્ટ અને વિશ્લેષણ માટે ઇલેક્ટ્રૉનિક ડીટેલ્ડ ઍક્સિડન્ટ રિપોર્ટ (e-DAR) પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી છે. આખા દેશમાં નોંધાતા રોડ-અકસ્માતોની જાણકારી એમાં રાખવામાં આવશે અને આ અકસ્માતો જ્યાં થયા છે એવા વિસ્તારોમાં ફરી એવી દુર્ઘટના ન બને એ માટે રોડમાં સુધારા કરવામાં આવશે. ૨૦૨૪ના ફેબ્રુઆરી મહિનાથી એમાં માહિતીનું સંકલન કરવામાં આવે છે. હાઇવેઝ પર અકસ્માતનાં સ્થળોને દૂર કરવા માટે એમાં અગાઉથી પગલાં લેવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.