ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું સ્મારક બનાવવામાટે કેન્દ્ર સરકારે રાજઘાટ પરિસરમાં ફાળવી જગ્યા

08 January, 2025 11:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની યાદમાં સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે અને આ સ્મારક રાજઘાટ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્મૃતિ પરિસરની અંદર જ બનાવવામાં આવશે.

પ્રણવ મુખરજી

કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની યાદમાં સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે અને આ સ્મારક રાજઘાટ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્મૃતિ પરિસરની અંદર જ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે આ માટે જગ્યાની પસંદગી પણ કરી લીધી છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણય પર પ્રણવ મુખરજીની દીકરી શર્મિષ્ઠા મુખરજીએ ખુશાલી દર્શાવી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આભાર પણ વ્યક્ત કર્યો છે. સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના આ નિર્ણય માટે દિલથી આભાર વ્યક્ત કરું છું. અમે આ માટે કોઈ માગણી પણ કરી નહોતી. વડા પ્રધાનના આ અપ્રત્યાશિત પણ ખરેખર દયાળુ ભાવથી હું ઘણી પ્રભાવિત છું. બાબા (પ્રણવ મુખરજી) કહેતા હતા કે રાજકીય સન્માન માગવું ન જોઈએ, એ ઑફર કરવામાં આવવું જોઈએ. હું ઘણી આભારી છું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાબાની યાદમાં આવું કર્યું. આનાથી બાબાને કોઈ ફરક નથી પડતો કે તેઓ અત્યારે ક્યાં છે. તેઓ ટીકા કે પ્રસંશાથી દૂર છે, પણ એક દીકરી તરીકે હું મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી.’

ભારતના તેરમા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું ૮૪ વર્ષની વયે ૨૦૨૦ની ૩૧ ઑગસ્ટે અવસાન થયું હતું.

pranab mukherjee new delhi national news news narendra modi