08 April, 2023 10:08 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બુધવારે દેહરાદૂનમાં કોરોના ટેસ્ટિંગ માટે નમૂના લઈ રહેલો હેલ્થ વર્કર. પી.ટી.આઇ.
નવી દિલ્હી : કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે સમીક્ષા બેઠક યોજી હતી અને રાજ્યોને અલર્ટ રહેવા તથા કોવિડ-19ના મૅનેજમેન્ટ માટે તૈયાર રહેવાની સલાહ આપી હતી. રાજ્યોના આરોગ્ય પ્રધાન, પ્રિન્સિપલ અને એડિશન ચીફ સેક્રેટરીઓ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં માંડવિયાએ ઇન્ફલુએન્ઝા જેવી બીમારી અને ગંભીર શ્વોસોચ્છ્વાસ ચેપનાં વલણો પર દેખરેખ રાખીને ટેસ્ટિંગ અને રસીકરણ વધારવા તેમ જ ઇમર્જન્સી હૉટસ્પૉટને ઓળખવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ૧૦ અને ૧૧ એપ્રિલે સમગ્ર દેશમાં કોવિડને લઈને મૉક ડ્રિલ થશે. તમારા રાજ્યના હેલ્થ મિનિસ્ટરને હૉસ્પિટલની મુલાકાત લેવા જણાવાયું છે.
બેઠક દરમ્યાન માંડવિયાએ રાજ્ય સરકારોને કહ્યું હતું કે ‘કોરોનાને લઈને આપણે સતર્ક રહેવાનું છે. ખોટો ભય ફેલાવવાનો નથી. ભારતમાં કોરોના જે ઝડપથી વધી રહ્યો છે એ ખતરાની ઘંટી છે. દરરોજ આંકડા વધી રહ્યા છે. કયા પ્રકારના વેરિઅન્ટ વધી રહ્યા છે એ વિશે વધુ ધ્યાન આપવા વગર ટેસ્ટ, ટ્રૅક, ટ્રીટ, વૅક્સિનેટ પર ભાર મૂકવાનો છે.’