ગોધરાકાંડ : ટ્રાયલ કોર્ટ દ્વારા જેમને મૃત્યુદંડની સજા થઈ હતી તેમની જામીન અરજી સુપ્રીમે ફગાવી

18 April, 2023 01:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચને બાળવામાં આવતાં ૫૯ લોકો મૃત્યુ પામ્યાં હતાં,

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે ૨૦૦૨ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં એવા દોષીઓની જામીન અરજીઓને ગઈ કાલે ફગાવી દીધી હતી કે જેમને ટ્રાયલ કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી, પરંતુ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા એને આજીવન કેદની સજામાં તબ્દીલ કરવામાં આવી હતી. 

ટ્રાયલ કોર્ટ દ્વારા ૧૧ દોષીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી, જ્યારે અન્ય ૨૦ જણને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. હાઈ કોર્ટે આ કેસમાં ૩૧ આરોપીઓને દોષી ગણાવતા ચુકાદાને સમર્થન આપ્યું હતું. કેટલાક આરોપીઓએ તેમને દોષી ગણાવતા અને સજા કરતા ચુકાદાની વિરુદ્ધની તેમની અરજીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 

૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચને બાળવામાં આવતાં ૫૯ લોકો મૃત્યુ પામ્યાં હતાં, જેના પગલે સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિંહા અને જેબી પારડીવાલાની બેન્ચે જણાવ્યું હતું કે અત્યારના તબક્કે ટ્રાયલ કોર્ટ દ્વારા જેમને મૃત્યુદંડ કરવામાં આવ્યો હતો તેમની જામીન અરજીને ફગાવી દેવામાં આવે છે. આ બેન્ચ હવે અન્ય દોષીઓની જામીન અરજીઓનો ૨૧ એપ્રિલે નિકાલ કરશે. 

ગુજરાત સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ‘ગુજરાત હાઈ કોર્ટ દ્વારા જે દોષીઓની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં તબ્દિલ કરવામાં આવી છે એવા દોષીઓને અમે મૃત્યુદંડની સજા મળે એ માટે ગંભીરતાથી ભાર મૂકીએ છીએ. આ રૅરમાં રૅર કેસ છે, જેમાં બાળકો અને મહિલાઓ સહિત ૫૯ લોકો જીવતા સળગ્યા હતા.’ સુપ્રીમ કોર્ટે અત્યાર સુધીમાં બે દોષીને જામીન આપ્યા છે. અન્ય સાત અરજીઓ અત્યારે પેન્ડિંગ છે. 

national news gujarat riots new delhi supreme court