05 April, 2023 03:01 PM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ભારતે અરુણાચલ પ્રદેશનાં ૧૧ સ્થળોનાં નામ બદલવાની ચીનની કોશિશને ફગાવી દીધી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ રાજ્ય ભારતનું અવિભાજ્ય અંગ છે અને હંમેશાં રહેશે.
ચીને સોમવારે અરુણાચલ પ્રદેશમાં ૧૧ સ્થળો માટે નવાં નામોની યાદી બહાર પાડી હતી. ચીને એ રીતે આ રાજ્ય પર દાવો કરવાની વધુ એક વખત કોશિશ કરી હતી. ચીને અરુણાચલ પ્રદેશમાં સ્થળોનાં નામ બદલવાની ત્રીજી વખત કોશિશ કરી છે.
ચીન દ્વારા જે નામોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એમાં પાંચ પર્વતીય શીખર, બે જમીની વિસ્તાર, બે રેસિડેન્શ્યલ એરિયા અને બે નદીઓ સામેલ છે. ચીને આ પહેલાં ૨૦૧૭ અને ૨૦૨૧માં આ પ્રકારનાં લિસ્ટ્સ બહાર પાડ્યાં હતાં.
હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ‘અમે એવા રિપોર્ટ્સ જોયા છે. ચીને આવી કોશિશ કરી હોય એમ પહેલી વખત બન્યું નથી. અમે એને સંપૂર્ણપણે ફગાવી દઈએ છીએ.’
તેમણે જણાવ્યું હતું કે ‘અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને હંમેશાં રહેશે. ઊપજાવી કાઢવામાં આવેલાં નામો આપવાના પ્રયાસોથી આ વાસ્તવિકતા બદલી ન શકાય.’