02 October, 2024 10:45 AM IST | Indore | Gujarati Mid-day Correspondent
ચિન્ટુ વર્મા
ગરબા રમવા આવનાર દરેક વ્યક્તિને પંડાલમાં આવતાં પહેલાં ગૌમૂત્રનું આચમન કરાવીને જ એન્ટ્રી આપો એવા ઇન્દોરમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ ચિન્ટુ વર્માના નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે. કૉન્ગ્રેસે આને ધ્રુવીકરણની રાજનીતિ ગણાવી છે.
આ મુદ્દે ચિન્ટુ વર્માએ કહ્યું હતું કે ‘અમે ગરબા-આયોજકોને વિનંતી કરી છે કે કોઈ પણ વ્યક્તિ પંડાલમાં આવે એ પહેલાં તેને ગૌમૂત્રનું આચમન કરાવો. જે હિન્દુ હશે એ કદી પણ ગૌમૂત્રના આચમનની ના નહીં પાડે. સનાતન સંસ્કૃતિમાં આચમનનું ખૂબ જ મહત્ત્વ છે. એનાથી શુદ્ધીકરણ પણ થઈ જશે. આધાર કાર્ડ એડિટ થઈ શકે છે, પણ જો વ્યક્તિ હિન્દુ હશે તો તે ગૌમૂત્રનું આચમન લઈને જ એન્ટ્રી લેશે, એનો વિરોધ નહીં કરે.’
આ મુદ્દે મધ્ય પ્રદેશ કૉન્ગ્રેસના પ્રવક્તા નીલભ શુક્લાએ કહ્યું હતું કે આચમનનો મુદ્દો ઉખાળીને BJP ધ્રુવીકરણની રાજનીતિ કરી રહી છે. આને બદલે તેમણે ગૌમાતા જ્યાં રાખવામાં આવે છે એ શેલ્ટરોની સ્થિતિ સુધારવી જોઈએ. BJPના નેતાઓએ પોતે ગૌમૂત્રનું સેવન કરીને ગરબા-પંડાલમાં એન્ટ્રી લેતા હો એવા વિડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરવા જોઈએ.’