ગીતા મહેતા : ઓડિશા CMના બહેનનું 80 વર્ષની વયે દિલ્હીમાં નિધન, નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક

17 September, 2023 10:50 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Gita Mehta : પ્રખ્યાત લેખિકા અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની મોટી બહેનનું દિલ્હી ખાતેના નિવાસસ્થાને લાંબા સમયથી ચાલતી બીમારીના કારણે 80 વર્ષની વયે નિધન થયું છે. 

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રખ્યાત લેખિકા અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની મોટી બહેન ગીતા મહેતા (Gita Mehta)નું નિધન થયું છે. ગીતા મહેતાનું શનિવારે તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને લાંબા સમયથી ચાલતી બીમારીના કારણે 80 વર્ષની વયે નિધન થયું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. નરેન્દ્ર મોદીએ ગીતા મહેતા (Gita Mehta)ના નિધન પર શોક વ્યક્ત કરતા `X` પર લખ્યું હતું કે,  `પ્રખ્યાત લેખિકા ગીતા મહેતાજીના નિધનથી હું દુઃખી છું. તેઓ બહુમુખી પ્રતિભા હતાં. તેઓ ફિલ્મ નિર્માણ તેમજ લેખન માટે ખૂબ જ જાણીતા હતા. આ સાથે જ તેઓ પ્રકૃતિ અને જળ સંરક્ષણ પ્રત્યે પણ ખૂબ જ ઉત્સાહી હતાં. આ દુઃખની ઘડીમાં નવીન પટનાયક અને સમગ્ર પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.”

ગીતા મહેતા (Gita Mehta)ના નિધન પર ઓડિશાના રાજ્યપાલ ગણેશી લાલે પણ શોક વ્યક્ત કર્યો છે. ગીતા મહેતાએ જ્યારે કોઈ રાજકીય કારણોસર 2019માં પદ્મશ્રી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો ત્યારે તેઓ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. એક લેખિકા તરીકે તેઓ તેમના નાના ભાઈ નવીન પટનાયક ઓડિશાના મુખ્યમંત્રી બનતા પહેલા જ પ્રખ્યાત થઈ ગયા હતા. ભુવનેશ્વરની તેમની છેલ્લી મુલાકાત દરમિયાન તેમણે પત્રકારોને એમ પણ કહ્યું હતું કે નવીન પટનાયક જેવા મુખ્યમંત્રી મળવા માટે ઓડિશાના લોકો ખૂબ જ નસીબદાર છે.

ગીતા મહેતાએ 1970-71માં અમેરિકન ટેલિવિઝન નેટવર્ક NBC માટે તત્કાલીન પૂર્વ પાકિસ્તાનમાં યુદ્ધ સંવાદદાતા તરીકે પણ કામ કર્યું હતું. તેઓએ `ડેટલાઈન બાંગ્લાદેશ` ડોક્યુમેન્ટ્રી પણ તૈયાર કરી હતી. જો કે, તેઓએ આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે 14 ટેલિવિઝન ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. 

જ્યારે ગીતા મહેતા (Gita Mehta)એ તેમની પ્રથમ નવલકથા `કર્મ કોલા` (1979)માં આપી ત્યારથી તેઓ લોકપ્રિય બન્યા હતા. આ નવલકથામાં મુક્તિની શોધમાં ભારતમાં આવેલા પશ્ચિમી `તીર્થયાત્રીઓ`ની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓએ `રાજ` (1989) પુસ્તક આપ્યું હતું. તેમનો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ `નાડી સૂત્ર` (1993)માં પ્રકાશિત થયો હતો. ઉલ્લેખનીય છે કે દેશની સુવર્ણ જયંતિ નિમિત્તે નિબંધોનો સંગ્રહ, `સાપ અને સીડી: આધુનિક ભારતની એક ઝલક` (1997) પ્રકાશિત થયો હતો. 

મળતી માહિતી અનુસાર જાણીતા લેખિકા અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની મોટી બહેન ગીતા મહેતા (Gita Mehta)નું શનિવારે વય સંબંધિત બિમારીને કારણે અવસાન થયું હતું. એક સફળ લેખિકા હોવાની સાથે તેઓ એક દસ્તાવેજી ફિલ્મ નિર્માતા અને પત્રકાર પણ હતા. ગીતા મહેતાનો જન્મ 1943માં થયો હતો અને તેઓનું શિક્ષણ ભારત તેમ જ બ્રિટનમાં થયું હતું. તેમના પરિવારમાં એક પુત્ર છે. તેમના પતિ સની મહેતાનું અવસાન થઈ ગયું છે.

naveen patnaik odisha celebrity death narendra modi national news delhi