02 October, 2023 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઉથ મુંબઈમાં જૈન સમાજની યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
સાઉથ મુંબઈમાં ગઈ કાલે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના ચારેય ફિરકાઓના ૨૦૦થી વધુ સંઘોની રથયાત્રામાં હજારો જૈન સાથે અજૈન ભાવિકો પણ જોડાયા હતા. આ ત્રીજી રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યુષણ મહાપર્વની રથયાત્રાનું આયોજન કરીને જૈન એકતાની મિસાલ દર્શાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વિશાળ રથયાત્રામાં ૧૦૦થી વધુ ગુરુભગવંતો, આચાર્યભગવંતો, પાઠશાળાનાં બાળકો, વિવિધ જૈન સંઘોનાં મહિલા મંડળો અને અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં જોડાયાં હતાં. જર્મનીમાં ફસાયેલી જૈન સમાજની દીકરી અરિહા શાહને કાયદાકીય લડત લડ્યા બાદ પણ જર્મનીની સરકાર પાછી આપતી ન હોવાથી એના વિરોધમાં અને તેને ભારત પાછી લાવવાની માગણી સાથે ‘અરિહા બચાવ રથ’ ખાસ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રથમાં અરિહાના ફોટો મૂકીને રથયાત્રામાં નારા ઉચ્ચારવામાં આવ્યા હતા.
સાઉથ મુંબઈમાં ગઈ કાલે સવારે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના નેતૃત્વ હેઠળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના પર્યટનપ્રધાન મંગલ પ્રભાત લોઢા જૈન સમાજને નેતૃત્વ પૂરું પાડવા ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં ભગવાનની પ્રતિકૃતિ, મહાન પુરુષોને યાદ કરતી ઝાંકીઓ, સાત રથ, જૈન સમાજની એકતા દર્શાવતા ધ્વજ હતાં. એમાં ‘ધી આર્ટ ઑફ હૅપી લિવિંગ’ પુસ્તકોનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. ૫૦ યુથ ક્લબ અને ૧૦૦ શ્રાવિકા મંડળ, ૩૦૦થી વધુ બાળકો પોશાક સાથે, અનેક મહિલાઓ વિવિધ રચનાઓ સાથે, ૩૦૦થી વધુ બાઇકર્સ, ૪૦૦ યુવાનો દ્વારા જૈન બૅન્ડ, રંગોળી, ભારતના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ દર્શાવતાં નૃત્ય, જેમાં કચ્છી નૃત્યથી લઈને સાંસ્કૃતિક નૃત્ય જોવા મળ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે અરિહા બચાવો ઝુંબેશ માટે જર્મનીના બર્લિનથી અરિહાની મમ્મી ધારા શાહ મુંબઈ આવીને રથયાત્રામાં જોડાઈ હતી. તેણે રથયાત્રા દરમ્યાન લોકો પાસે જઈને દીકરી અરિહાને પાછી લાવવા માટે મદદ કરવાની અપીલ પણ કરી હતી. અરિહાને જર્મનીમાં માંસાહારી ભોજન આપવાની વાતથી લોકોએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને રથયાત્રા દરમ્યાન બધાએ અરિહાને પાછી લાવવા માટે વડા પ્રધાનથી લઈને ભારત સરકારને મદદ કરવા વિનંતી કરી હતી.
‘અરિહા બચાવો રથ’ તૈયાર કર્યો
ગુજરાતી દંપતી ભાવેશ શાહ અને ધારા શાહની દીકરી અરિહા છેલ્લાં બે વર્ષથી જર્મનીના ચાઇલ્ડ વેલ્ફેરની કસ્ટડીમાં છે એટલે તેઓ સતત કાયદાકીય લડત ચલાવીને અરિહાને પાછી મેળવવાના પ્રયત્ન કરી રહ્યાં છે. અરિહાની મમ્મી મુંબઈમાં યોજાયેલી જૈન સમાજની ભવ્ય રથયાત્રામાં જોડાઈ હતી અને ‘અરિહા બચાવો રથ’નું ખાસ નિર્માણ કરવામાં આવ્યું હતું. એમાં અરિહાના ફોટો અને પોસ્ટર્સ લગાડવામાં આવ્યાં હતાં. રથયાત્રામાં ‘સેવ બેબી અરિહા’ના નારા લગાવીને વડા પ્રધાન અને ભારત સરકારને મદદ માટે વિનંતી કરવામાં આવી હતી.
પોતાની વેદના વર્ણવતાં અરિહાની મમ્મી ધારા શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રથયાત્રા માટે હું ખાસ મુંબઈ આવી છું. રથયાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાયા હતા અને જૈન સમાજના તમામ લોકોએ અરિહાને પાછી લાવવા ભારત સરકારને વિનંતી કરી હતી. અરિહા અઢી વર્ષની થઈ ગઈ છે અને તેનાં મા-બાપ, સમાજ, સગાંસંબંધી હોવા છતાં તે અનાથ છે. સપનામાં જ નહીં, દિવસે પણ અરિહાનો ચહેરો અમને દેખાય છે. ભારતમાં અરિહાની કસ્ટડી આપવામાં આવે તો તેનાં નાના, માસી, મામા, સમાજના લોકો મળી શકેને. અરિહાને અમે જુલાઈથી જોઈ નથી. અરિહા અવેલેબલ નથી, તે રડશે વગેરે કારણો કહીને અમને દીકરીને મળવા દેતા નથી. રથયાત્રામાં તમામ જૈન સમાજે વડા પ્રધાનને મદદ કરવા વિનંતી કરી હોવાથી અમે તેમના તરફ આશા રાખીને બેઠા છીએ.’