19 September, 2022 08:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આઇસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)એ આ વર્ષે જુલાઈથી ઑગસ્ટ દરમ્યાન કેરલા અને દિલ્હીમાં આવેલા મન્કીપૉક્સના કેસના જીનોમ સીક્વન્સિસનું ઍનૅલિસિસ કમ્પ્લીટ કર્યું છે, જેમાં જોવા મળ્યું છે કે ૯૦થી ૯૯ ટકા જીનોમને આવરી લેતી ભારતની જીનોમ સીક્વન્સિસ એ.2 ગ્રુપની સાથે સંબંધિત હોવાનું બહાર આવ્યું છે. એ.2 ગ્રુપ ક્લેડ આઇઆઇબી વેરિઅન્ટને સંબંધિત છે. આઇસીએમઆર-એનઆઇવી, પુણેનાં સિનિયર સાયન્ટિસ્ટ ડૉ. પ્રજ્ઞા યાદવે કહ્યું હતું કે એ.2માં વધુ મ્યુટેશન્સ થઈ રહ્યું છે. અમે મન્કીપૉક્સના કેરલાના કેસ (યુએઈમાંથી પાંચ ટ્રાવેલર્સ) અને દિલ્હીના (કોઈ ટ્રાવેલ હિસ્ટરી ન ધરાવતા પાંચ વ્યક્તિના) કેસની સંપૂર્ણપણે જીનોમ સીક્વન્સિસનું ઍનૅલિસિસ કર્યું છે.
ચીનમાં મન્કીપૉક્સનો પહેલો કેસ નોંધાયો
ચીનમાં મન્કીપૉક્સનો પહેલો કેસ નોંધાયો છે. આ દરદી વિદેશથી ચોંગકિંગ શહેરમાં પાછો ફર્યો હતો. આ ટ્રાવેલર ચીનમાં પ્રવેશતાં કોરોનાને રોકવા માટેનાં નિયંત્રણો અનુસાર તેને ક્વૉરન્ટીન કરાયો હતો ત્યારે તેના શરીરે ફોલ્લીઓ અને અન્ય લક્ષણો જોવાં મળ્યાં હતાં. ચાઇનીઝ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શને ટેસ્ટ રિઝલ્ટ્સની સમીક્ષા કરતાં મન્કીપૉક્સનો કેસ કન્ફર્મ થયો હતો. આ ટ્રાવેલર અત્યારે એક હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેની સ્થિતિ સ્થિર છે. હવે ચીનના આરોગ્ય અધિકારીઓએ વિદેશીઓને સ્પર્શ ના કરવા નાગરિકોને જણાવ્યું છે.