BJPનાં મહિલા ઉમેદવારને કિચનમાં ફક્ત જમવાનું બનાવતાં જ આવડે છે

31 March, 2024 12:46 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ગાયત્રી સિદ્ધેશ્વરે પણ વળતો જવાબ આપતાં કહ્યું કે ઘરડા માણસને એ ખબર નથી કે આપણે (મહિલાઓએ) કેટલી પ્રગતિ કરી છે

શમનૂર શિવશંકરપ્પા, ગાયત્રી સિદ્ધેશ્વર

લોકસભાની ચૂંટણીમાં જેમ-જેમ પ્રચાર જામી રહ્યો છે તેમ-તેમ નેતાઓનો વાણીવિલાસ પણ વધવા લાગ્યો છે. કર્ણાટકમાં દાવણગેરે બેઠક પર પ્રચાર કરતી વખતે કૉન્ગ્રેસના ૯૨ વર્ષના વિધાનસભ્ય શમનૂર શિવશંકરપ્પાની જીભ લપસી હતી અને તેમણે આ બેઠક પરનાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં મહિલા ઉમેદવાર ગાયત્રી સિદ્ધેશ્વરની યોગ્યતાની હાંસી ઉડાવતાં કહ્યું હતું કે તેમને ફક્ત કિચનમાં જમવાનું બનાવતાં આવડે છે.

ગાયત્રી સિદ્ધેશ્વર વર્તમાન સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જી. એમ. સિદ્ધેશ્વરનાં પત્ની છે. કૉન્ગ્રેસના પાર્ટી-વર્કર્સને સંબોધતાં શિવશંકરપ્પાએ જણાવ્યું હતું કે ‘તમને બધાને ખબર છે કે આ ચૂંટણીમાં જીતીને તે મોદીજીને કમળનું ફૂલ ભેટ આપવાની છે, પણ પહેલાં દાવણગેરેની સમસ્યાઓની તેને જાણ થવા દો. આપણે કૉન્ગ્રેસવાળાઓએ આ પરિસરમાં વિકાસનાં કામ કર્યાં છે. જાહેરમાં કેવી રીતે પ્રવચન આપવું એ અલગ વાત છે, પણ તેને તો કિચનમાં રહીને રસોઈ બનાવતાં જ આવડે છે. સામા પક્ષના ઉમેદવારની જાહેરમાં લોકો સામે બોલવાની પણ ક્ષમતા નથી.’ 
દાવણગેરે સાઉથ વિધાનસભા બેઠક પરથી ૯૨ વર્ષના આ નેતા પાંચ વાર ચૂંટાઈ આવ્યા છે અને કૉન્ગ્રેસના સૌથી વૃદ્ધ વિધાનસભ્ય છે. તેમની પુત્રવધૂ પ્રભા મલ્લિકાર્જુનને કૉન્ગ્રેસે આ બેઠક પરથી ટિકિટ આપી છે.

ગાયત્રી સિદ્ધેશ્વરે શિવશંકરપ્પાને વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ‘તેમણે એવા લહેજામાં કહ્યું છે કે આપણે મહિલાઓએ માત્ર રાંધવાનું અને કિચનમાં રહેવાનું છે. આજે મહિલાઓ કયા પ્રોફેશનમાં નથી? આપણે આકાશમાં ઊડીએ છીએ. તે ઘરડા માણસને ખબર નથી કે આપણે (મહિલાઓએ) કેટલી પ્રગતિ કરી છે. તેમને એ ખબર નથી કે ઘરે રહીને મહિલાઓ કેટલા પ્રેમથી તેમના પરિવારજનો માટે રસોઈ તૈયાર કરે છે.’ BJPએ આ મુદ્દે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. 

national news Lok Sabha Election 2024 congress bharatiya janata party