20 July, 2022 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ અદાણી અને બિલ ગેટ્સ
નવી દિલ્હી : દુનિયાના શ્રીમંતોની યાદીમાં ભારતના સૌથી અમીર ગૌતમ અદાણીએ મોટો ઊલટફેર કર્યો છે. ‘ફૉર્બ્સ’ના અબજોપતિની યાદી મુજબ ગૌતમ અદાણી માઇક્રોસૉફ્ટના બિલ ગેટ્સને પછાડીને હવે દુનિયાના ચોથા સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. અદાણીની કુલ સંપત્તિ ૧૧૩ બિલ્યન ડૉલર એટલે કે ૯૦૨૭ અબજ રૂપિયા થઈ છે, તો બિલ ગેટ્સની સંપત્તિ ૧૦૨ બિલ્યન ડૉલર એટલે કે ૮૧૪૮ અબજ રૂપિયા થતાં તેઓ યાદીમાં પાંચમા ક્રમાંકે પહોંચી ગયા છે. ‘ફાર્બ્સ’ની યાદીમાં જણાવ્યા મુજબ અદાણીથી સંપત્તિના મામલે હવે વિશ્વના માત્ર ત્રણ ઉદ્યોગપતિઓ જ આગળ છે. પહેલા ક્રમાંકે ટેસ્લાના સ્થાપક ઇલૉન મસ્ક છે, જેમની સંપત્તિ ૨૨૯ બિલ્યન ડૉલર છે. બીજા ક્રમાંકે ફ્રાન્સની
લક્ઝરી વસ્તુ બનાવનાર એલએમવીએચના માલિક બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમનો પરિવાર છે, જેમની સંપત્તિ ૧૪૫ બિલ્યન ડૉલર છે. તો ત્રીજા ક્રમાંકે ઍમેઝૉનના સ્થાપક જેફ બેઝોસ છે, જેમની સંપત્તિ ૧૩૬ બિલ્યન ડૉલર છે.