30 November, 2022 10:24 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી
નવી દિલ્હી : ભારતના ૧૦૦ સૌથી વધુ ધનવાનોનું આ વર્ષ માટેનું ફૉર્બ્સનું લિસ્ટ આવી ગયું છે. આ લિસ્ટ અનુસાર ભારતના ૧૦૦ સૌથી વધુ ધનવાનોની સંયુક્ત સંપત્તિ ૨૫ અબજ ડૉલર (૨૦૪૧.૭૨ અબજ રૂપિયા) વધીને ૮૦૦ અબજ ડૉલર (૬૫,૩૩૫ અબજ રૂપિયા)ને પાર થઈ ગઈ છે. અત્યારે સમગ્ર દુનિયામાં આર્થિક મંદીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ગ્લોબલ ટેક અને ફિનટેક કંપનીઓ દ્વારા છટણીનો માહોલ છે અને તેમના રેવન્યુમાં ઘટાડો થયો છે. જોકે ભારતના ધનવાનોની સંપત્તિમાં વધારો થયો છે. આ લિસ્ટમાં ગૌતમ અદાણી ટૉપ પર છે અને મુકેશ અંબાણી બીજા સ્થાને છે. ફૉર્બ્સના ડેટા અનુસાર ભારતના ટોચના ૧૦ અમીરોની સંયુક્ત સંપત્તિ ૩૮૫ અબજ ડૉલર (૩૧,૪૪૨.૪૭ અબજ રૂપિયા) છે.
ટૉપ ટેન લિસ્ટ
1,211,460.11
અદાણી ગ્રુપના ચૅરપર્સન ગૌતમ અદાણીની આટલા કરોડ રૂપિયાની સંપત્તિ છે. ફૉર્બ્સના લિસ્ટ અનુસાર તેઓ આ વર્ષે પહેલી વખત ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે.
710,723.26
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને એમડી મુકેશ અંબાણીની આટલા કરોડ રૂપિયાની સંપત્તિ છે. ૨૦૧૩થી તેઓ પહેલી વખત બીજા નંબરે આવ્યા છે.
222,908.66
સુપરમાર્કેટ્સની ડીમાર્ટ ચેઇનના માલિક રાધાક્રિષ્ન દામાનીની આટલા કરોડ રૂપિયાની સંપત્તિ છે. દામાનીએ ૨૦૦૨માં એક સ્ટોરની સાથે રીટેલમાં એન્ટ્રી કરી હતી. આજે ૨૭૧ ડીમાર્ટ સ્ટોર્સ છે.
173,642.62
દુનિયાની લીડિંગ વૅક્સિન મૅન્યુફૅક્ચરિંગ કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ચૅરમૅન સાઇરસ પૂનાવાલાની સંપત્તિ આટલા કરોડ રૂપિયા છે. કોરોનાની વૅક્સિન બનાવવા માટે સીરમે અનેક કંપનીઓ સાથે ભાગીદારી કરી છે.
172,834.97
એચસીએલ ટેક્નૉલૉજીઝના ચૅરમૅન ઍમિરિટ્સ શિવ નાદારની આટલા કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમણે આ વર્ષે એજ્યુકેશન માટે ૬૬.૨૦ કરોડ ડૉલર (૫૪.૦૬ અબજ રૂપિયા) દાનમાં આપ્યા હતા.
132,452.97
ઓ. પી. જિંદલ ગ્રુપનાં ચૅરપર્સન ઍમિરિટ્સ સાવિત્રી જિંદલની આટલા કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ આ લિસ્ટમાં એકમાત્ર મહિલા અબજોપતિ છે.
125,184.21
સન ફાર્માસ્યુટિકલ્સના ફાઉન્ડર દિલીપ સંઘવીની સંપત્તિ આટલા કરોડ રૂપિયા છે.
122,761.29
હિન્દુજા બ્રધર્સ-શ્રીચંદ, ગોપીચંદ, પ્રકાશ અને અશોકની કુલ સંપત્તિ આટલા કરોડ રૂપિયા છે.
121,146.01
ટેક્સ્ટાઇલ્સથી લઈને સિમેન્ટ સુધી વિશાળ સામ્રાજ્ય ધરાવતા આદિત્ય બિરલા ગ્રુપના ચૅરમૅન કુમાર બિરલાની આટલા કરોડ રૂપિયાની સંપત્તિ છે.
117,915.45
બજાજ ગ્રુપ હેઠળ ૪૦ કંપનીઓની માલિકી ધરાવતા બજાજ ફૅમિલીની આટલા કરોડ રૂપિયાની સંપત્તિ છે.