01 February, 2023 10:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૌતમ અદાણી ફાઇલ તસવીર
નવી દિલ્હી : દુનિયાના ટોચના ૧૦ ધનવાનોના લિસ્ટમાંથી ગૌતમ અદાણી બહાર થઈ ગયા છે. તેમના ગ્રુપની કંપનીઓના સ્ટૉક્સમાં તાજેતરમાં થયેલા ઘટાડાના કારણે એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે પણ તેમને ટૂંક સમયમાં રિપ્લેસ કરવામાં આવે એવી શક્યતા છે. આ ભારતીય ટાયકૂન બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સમાં ચોથા સ્થાનેથી અગિયારમાં સ્થાને પહોંચ્યા છે.
૮૪.૪ અબજ ડૉલર (૬૯૦૪.૩૪ અબજ રૂપિયા)ની સંપત્તિ સાથે હવે અદાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીથી માત્ર એક સ્થાન આગળ છે. મુકેશ અંબાણીની નેટવર્થ ૮૨.૨ અબજ ડૉલર (૬૭૨૪.૩૭ અબજ રૂપિયા) છે. હિન્ડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટના પગલે અદાણી ગ્રુપની કંપનીઓના સ્ટૉક્સમાં ભારે ઘટાડો થયો હતો, જેના લીધે બજારમૂલ્યના ૬૮ અબજ ડૉલર (૫૫૬૨.૭૪ અબજ રૂપિયા)નું ધોવાણ થયું છે.
અદાણી હવે બિલ્યનેર્સ ઇન્ડેક્સમાં મેક્સિકોના કાર્સોલ સ્લિમ, ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિન અને માઇક્રોસૉફ્ટના ભૂતપૂર્વ સીઈઓ સ્ટીવ બૉલમેર કરતાં પાછળ છે.
આ વર્ષે સૌથી વધુ સંપત્તિ ગુમાવી
ગૌતમ અદાણી ૨૦૨૨માં સૌથી વધુ સંપત્તિ મેળવવા બદલ ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યા હતા. જોકે આ વર્ષે પહેલાં જ મહિનામાં અદાણી ગ્રુપના ચૅરમૅનનું નામ સૌથી વધુ સંપત્તિ ગુમાવનારાઓમાં સામેલ થઈ ગયું છે.
હિન્ડનબર્ગના રિપોર્ટમાં શું છે?
અમેરિકાની ફૉરેન્સિક ફાઇનૅન્શિયલ રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપની તમામ કંપનીઓની લોન બાબતે સવાલો કર્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપની મુખ્ય લિસ્ટેડ કંપનીઓ ૮૫ ટકાથી વધારે ઓવરવૅલ્યુ છે. આ રિપોર્ટના કારણે જ ભારતીય રોકાણકારોનો સેન્ટિમેન્ટ બદલાયો છે.
2781.37
ટ્રેડિંગના માત્ર ત્રણ દિવસમાં ગૌતમ અદાણીની અંગત સંપત્તિમાં આટલા અબજ રૂપિયાનો ઘટાડો થયો છે.