21 October, 2022 09:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૌતમ અદાણી
અબજોપતિ ગૌતમ અદાણી ૧૫૦ અબજ ડૉલર (૧૨,૪૧૨.૩૫ અબજ રૂપિયા)ની નેટવર્થની સાથે ફૉર્બ્સના આ વર્ષના ભારતના ૧૦૦ સૌથી ધનવાનોના લિસ્ટમાં ટૉપ પર છે. તેમના પછીના સ્થાને લાંબા સમય સુધી આ લિસ્ટમાં અગ્રેસર રહેનારા મુકેશ અંબાણી છે, જેમને આ વર્ષે અદાણી દ્વારા પાછળ છોડી દેવામાં આવ્યા છે. તેમની નેટવર્થ ૮૮ અબજ ડૉલર (૭૨૮૧.૯૧ અબજ રૂપિયા) છે.
ટૉપ ૧૦માં રાધાક્રિષ્ન દામાની, સાયરસ પૂનાવાલા, શિવ નાદર, સાવિત્રી જિંદલ, દિલીપ સંઘવી, હિન્દુજા બ્રધર્સ, કુમાર મંગલમ બિરલા અને બજાજ ફૅમિલીનો પણ સમાવેશ થયો છે.
અદાણીની સંપત્તિમાં ૨૦૨૧માં લગભગ ત્રણ ગણો વધારો થયો હતો, જ્યારે આ વર્ષે તેમની નેટવર્થ બમણી થઈ છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતના ૧૦૦ સૌથી વધુ ધનવાનોની કુલ સંપત્તિમાં અદાણી અને અંબાણીનો સંયુક્ત હિસ્સો ૩૦ ટકા જેટલો છે. ટૉપ ૧૦૦ લિસ્ટમાં આ વર્ષે નવ નવા ચહેરા જોવા મળ્યા હતા, જેમાં નાયકાનાં ફાલ્ગુની નાયર (૪૪મા સ્થાને), વેદાંત ફૅશન્સના રવિ મોદી (૫૦મા સ્થાને) અને મેટ્રો બ્રૅન્ડ્સના રફિક મલિક (૮૯મા સ્થાને)નો સમાવેશ થાય છે.
આ વર્ષે ચાર ઉદ્યોગપતિઓનું આ લિસ્ટમાં કમબૅક થયું છે, જેમાં ખાસ કરીને આનંદ મહિન્દ્રનો સમાવેશ થાય છે. ઑટોમોબાઇલ માર્કેટમાં તેમના શાનદાર પર્ફોર્મન્સના પગલે તેમની કંપનીના સ્ટૉક્સના ભાવમાં વધારો થતાં તેઓ ૯૧મા સ્થાને પાછા ફર્યા છે. પેટીએમના વિજય શેખર શર્મા આ લિસ્ટમાંથી આઉટ થઈ ગયા છે. ફૉર્બ્સે જણાવ્યું છે કે શૅરહોલ્ડિંગ, પરિવારો અને વ્યક્તિઓ, સ્ટૉક એક્સચેન્જ, ઍનૅલિસ્ટ્સ અને રેગ્યુલેટરી એજન્સીઓ પાસેથી મેળવવામાં આવેલી નાણાકીય વિગતોના આધારે આ લિસ્ટ તૈયાર કરાયું છે.
આ રહ્યા ભારતના ટૉપ ટેન ધનાડ્યો
૧) ગૌતમ અદાણી 150 અબજ ડૉલર (૧૨,૪૧૨.૩૫ અબજ રૂપિયા)
૨) મુકેશ અંબાણી 88 અબજ ડૉલર (૭૨૮૧.૯૧ અબજ રૂપિયા)
૩) રાધાક્રિષ્ન દામાની 27.6 અબજ ડૉલર (૨૨૮૩.૮૭ અબજ રૂપિયા)
૪) સાયરસ પૂનાવાલા 21.5 અબજ ડૉલર (૧૭૭૯.૧૦ અબજ રૂપિયા)
5) શિવ નાદર 21.4 અબજ ડૉલર (૧૭૭૦.૮૩ અબજ રૂપિયા)
6) સાવિત્રી જિંદલ 16.4 અબજ ડૉલર (૧૩૫૭.૦૮ અબજ રૂપિયા)
7) દિલીપ સંઘવી 15.5 અબજ ડૉલર (૧૨૮૨.૬૧ અબજ રૂપિયા)
8) હિન્દુજા બ્રધર્સ 15.2 અબજ ડૉલર (૧૨૫૭.૭૮ અબજ રૂપિયા)
9) કુમાર મંગલમ બિરલા 15.0 અબજ ડૉલર (૧૨૪૧.૨૪ અબજ રૂપિયા)
10) બજાજ ફૅમિલી 14.6 અબજ ડૉલર (૧૨૦૮.૧૪ અબજ રૂપિયા)
આ લિસ્ટમાં રહેલી ચાર હસ્તીઓનાં નિધન
આ લિસ્ટમાં ચાર મુખ્ય મેમ્બર્સનાં આ વર્ષે નિધન થયાં હતાં, જેમાં બજાજ ફૅમિલીના વડા રાહુલ બજાજ, દિગ્ગજ માર્કેટ્સ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા, કન્સ્ટ્રક્શન ટાયકૂન પાલનજી મિસ્ત્રી અને તેમના દીકરા સાયરસ મિસ્ત્રીનો સમાવેશ થાય છે.
800 અબજ
ટૉપ ૧૦૦ ધનવાન ભારતીયોની કુલ નેટવર્થ આટલા ડૉલર છે.