14 April, 2023 12:51 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ઝાંસીમાં ગઈ કાલે ઉત્તર પ્રદેશ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અસદ અને તેના સાથી ગુલામના મૃતદેહો. તસવીર પી.ટી.આઇ.
ઉમેશ પાલની હત્યા બાદ ફેબ્રુઆરીમાં યુપીના સીએમે કહ્યું હતું કે ‘માફિયાઓં કો મિટ્ટી મેં મિલા દેંગે’, હવે ગઈ કાલે આ મર્ડર કેસમાં વૉન્ટેડ ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતિક અહમદનો દીકરો અસદ અને તેનો એક સાથી ઉત્તર પ્રદેશ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા
ઝાંસીમાં ગઈ કાલે ઉમેશ પાલ મર્ડર કેસમાં વૉન્ટેડ ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતિક અહમદના દીકરા અસદ અને તેનો એક સાથી ઉત્તર પ્રદેશ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ અસદ અહમદના એન્કાઉન્ટરને ‘ઐતિહાસિક’ તેમ જ અન્ય ક્રિમિનલ્સ માટે મેસેજ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘હું યુપી એસટીએફને આ ઍક્શન બદલ અભિનંદન આપું છું. ક્રિમિનલ્સે પોલીસ પર ફાયરિંગ કરતાં પોલીસે જવાબમાં ફાયરિંગ કર્યું હતું. ક્રિમિનલ્સને આ મેસેજ છે કે આ ‘નવું ભારત’ છે.’
સ્પેશ્યલ ડિરેક્ટર જનરલ (લૉ ઍન્ડ ઑર્ડર) પ્રશાંત કુમારે કહ્યું કે ‘અસદ અને ગુલામ પ્રયાગરાજના ઉમેશ પાલ મર્ડર કેસમાં વૉન્ટેડ હતા અને તેમના બન્નેના માથા પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની ટીમ સાથે એન્કાઉન્ટરમાં તેઓ માર્યા ગયા હતા.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘આ આરોપીઓ પાસેથી સૉફિસ્ટિકેટેડ ફૉરેન મેડ હથિયાર રિકવર કરવામાં આવ્યાં છે. વધુ તપાસ ચાલી રહી છે.’
આ મર્ડરકેસમાં અહેમદને પ્રયાગરાજમાં ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો એ જ દિવસે આ એન્કાઉન્ટર થયું હતું. દરમ્યાન એન્કાઉન્ટરના સ્થળનાં વિઝ્યુઅલ્સમાં બાઇકની બાજુમાં બે મૃતદેહ જોવા મળ્યા હતા. ત્યાર બાદ એક ઍમ્બ્યુલન્સ આ મૃતદેહોને લઈ ગઈ હતી.
સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે અસદ અને ગુલામ ૨૪ ફેબ્રુઆરીએ ઉમેશ પાલના મર્ડરના દિવસથી ફરાર હતા. એસટીએફની અનેક ટીમ તેમને પકડવાની કોશિશમાં હતી. ગઈ કાલે તેઓ એક બાઇક પર ભાગવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે ઝાંસીમાં એસટીએફની એક ટીમે તેમને આંતર્યા હતા. તેમણે એસટીએફના જવાનો પર ગોળીબાર કર્યો હતો અને જવાબી કાર્યવાહીમાં થયેલા ગોળીબારમાં તેઓ મૃત્યુ પામ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદની સાબરમતી જેલમાંથી ગૅન્ગસ્ટર અતિકને ફરી ઉત્તર પ્રદેશ પોલીસ લઈ ગઈ
૨૦૦૫માં બીએસપીના વિધાનસભ્ય રાજુ પાલની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલના પ્રયાગરાજના ધુમનગંજ એરિયામાં આવેલા ઘરની બહાર તેમની અને તેમના બે પોલીસ સિક્યૉરિટી ગાર્ડની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઉમેશની પત્ની જયા પાલે ૨૫ ફેબ્રુઆરીએ અતિક અહમહ, તેના ભાઈ અશરફ, અસદ, ગુલામ અને બીજા કેટલાક લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
પ્રયાગરાજમાં ગઈ કાલે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા બાદ માફિયા અતિક અહમદ અને તેનો ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ.
અતિક અહમદના દીકરા અસદના એન્કાઉન્ટર બાદ તરત જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની રાજ્યની વિધાનસભામાં ખૂબ જ આક્રમક સ્પીચ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી. ઉમેશ પાલની હત્યા બાદ ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટ સેશનના એક વિડિયોમાં યોગી એમ કહેતા જોવા મળ્યા હતા કે ‘પ્રયાગરાજની ઘટના દુઃખદ છે. સરકારે એને ધ્યાનમાં લીધી છે. હું પ્રદેશને ખાતરી આપું છું કે ઝીરો ટૉલરન્સની નીતિ હેઠળ રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામ પણ ટૂંક સમયમાં જ જોવા મળશે. કોઈ શંકા ન હોવી જોઈએ. જોકે અપરાધીઓ, માફિયાઓને આખરે કોના દ્વારા પોષવામાં આવ્યા? જે માફિયાની વાત થઈ રહી છે તેને સમાજવાદી પાર્ટીએ જ સંસદસભ્ય બનાવ્યો હતો. તમે બધા અપરાધીઓને પોષણ આપશો? તેમને માળા પહેરાવશો? અતિક અહમદ સમાજવાદી પાર્ટી દ્વારા પોષિત માફિયા છે. આ જ હાઉસમાં કહું છું કે ઇન માફિયાઓં કો મિટ્ટી મેં મિલા દેંગે.’
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ઑફિસમાંથી જણાવવામાં આવ્યું છે કે તેમણે અસદ અહમદના એન્કાઉન્ટરમાં મોત બદલ યુપી પોલીસના સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની પ્રશંસા કરી છે. મુખ્ય પ્રધાને રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક મીટિંગ યોજી હતી.
૪૨ રાઉન્ડ ફાયરિંગ
એન્કાઉન્ટરની વિગતો આપતાં પોલીસે જણાવ્યું હતું કે ડીએસપી રૅન્કના અધિકારીઓની ૧૨ જણની ટીમે આ ઑપરેશન પાર પાડ્યું હતું. અસદે વેશ બદલ્યો હતો. કુલ ૪૨ રાઉન્ડ ફાયરિંગ થયું હતું.
અસદે બે મહિનામાં છ સિટી બદલ્યાં હતાં
ISI સાથે સીધા સંબંધો
અતિક અહેમદે ઉત્તર પ્રદેશ પોલીસને એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે પાકિસ્તાનની આઇએસઆઇ (ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાની સાથે તેના સીધા સંબંધો છે. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા પ્રયાગરાજમાં ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં અતિકનું આ સ્ટેટમેન્ટ રેકૉર્ડેડ છે કે ‘મારી પાસે હથિયારોની કોઈ કમી નથી, કેમ કે પાકિસ્તાનની આઇએસઆઇ અને લશ્કર-એ-તય્યબાની સાથે મારા સીધા સંબંધો છે.’