18 September, 2023 10:10 AM IST | Mumbai | Prakash Bambhroliya
લાલબાગચા રાજાને જે ખેસ પહેરાવવામાં આવ્યો છે એમાં શિવાજી મહારાજની રાજમુદ્રા (સર્કલમાં) હોવાથી મરાઠા ક્રાન્તિ મહામોરચાએ વિરોધ કર્યો છે. (તસવીર : આશિષ રાજે)
આવતી કાલથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે ખૂબ જ લોકપ્રિય લાલબાગચા રાજા ગણપતિનો ગઈ કાલે વિવાદ ઊભો થયો હતો. મંડળે આ વખતે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની થીમ ઊભી કરી છે. એમાં છત્રપતિની રાજમુદ્રાને ગણપતિબાપ્પાનાં ચરણોમાં મૂકવા બદલ મરાઠા ક્રાન્તિ મહામોરચા, મુંબઈએ મંડળ સામે ફરિયાદ નોંધવાની માગણી કરતો પત્ર મુંબઈના પોલીસ કમિશનરને લખ્યો હતો. આથી લાખો ગણેશભક્તો જેનાં દર્શન કરવા આવે છે એ લાલબાગચા રાજાને લઈને વિવાદ ઊભો થયો છે.
દક્ષિણ મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલા લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા ૯૦ વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે આ મંડળમાં છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો એવી થીમ ઊભી કરવામાં આવી છે. આમાં ગણપતિની મૂર્તિને પહેરાવવામાં આવેલા પીતાંબર પર નકશીકામ કરવામાં આવ્યું છે.
આ સિવાય છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાનો ચારેક ઇંચ જાડો ખેસ બનાવવામાં આવ્યો છે, જે ગણપતિની મૂર્તિના ગળાથી લઈને ચરણ સુધી પહેરાવવામાં આવ્યો છે. રાજમુદ્રાના આ પટ્ટાને લીધે જ વિવાદ થયો છે.
રાજમુદ્રાને લાલબાગચા રાજાનાં ચરણોમાં મૂકવામાં આવી હોવાનું જાણ્યા બાદ મરાઠા ક્રાન્તિ મહામોરચા, મુંબઈ વતી અમોલ જાધવરાવે મુંબઈના પોલીસ કમિશનરને ગઈ કાલે એક પત્ર લખીને ગણેશોત્સવ મંડળ સામે ગુનો નોંધવાની માગણી કરી હતી. પત્રમાં લખવામાં આવ્યું છે કે ‘છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રા લાલબાગચા રાજાનાં ચરણોમાં બતાવવાનો શું આશય છે એ શિવાજી મહારાજના અનુયાયીઓને નથી સમજાતો. આવું કરીને લાલબાગચા રાજા મંડળે શિવપ્રેમીઓની ભાવના દુભાવી છે. ગણપતિબાપ્પા દેવ છે તો શિવાજી મહારાજ અમારા માટે દેવસમાન છે. આથી તેમની રાજમુદ્રા બાપ્પાનાં ચરણોમાં મૂકવાનું યોગ્ય નથી એટલે મંડળ સામે ગુનો નોંધવામાં આવે.’ પોલીસ કમિશનર વિવેક ફણસળકર આ પત્રને કેવી રીતે લે છે એના પર બધાની નજર રહેશે.
શિવાજી મહારાજ અમારા આરાધ્યદેવ
લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ સામે ગુનો નોંધવાની માગણી કરનારા અમોલ જાધવરાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગણપતિ દેવ છે તો છત્રપતિ શિવાજી મહારાજ અમારા આરાધ્યદેવ છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને ૩૫૦ વર્ષ થઈ રહ્યાં છે એને ધ્યાનમાં રાખીને મંડળે લાલબાગમાં આ વખતે આ સંબંધી થીમ બનાવી છે. રાજમુદ્રાને ગણપતિદાદાનાં ચરણોમાં મૂકવા સિવાય બધું જ ઠીક છે. રાજમુદ્રાનું આવું અપમાન કોઈ મરાઠા સહન ન કરી શકે. તેમણે કયા ઇરાદાથી રાજમુદ્રાને આવી રીતે રજૂ કરી છે એ કહેવું મુશ્કેલ છે. અમારી લાગણી દુભાઈ છે એટલે મંડળના સંચાલકો સામે પોલીસે ગુનો નોંધવો જોઈએ.’
કંઈ વિવાદાસ્પદ નથી
લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના પ્રમુખ બાળાસાહેબ કાંબળે જોકે માને છે કે આ વિવાદાસ્પદ બાબત નથી. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રા અંકિત કરવામાં આવી હોય એવો પટ્ટો અમે શ્રીની મૂર્તિને પહેરાવ્યો છે. આ પટ્ટો બાપ્પાની બંને બાજુએથી પગની ઉપર સુધી જાય છે, ચરણની નીચે નથી મૂક્યો. આથી આમાં કોઈ વિવાદ થાય એવું લાગતું નથી. કોઈકે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે એની મને જાણ નથી.’