G20 Summit: દિલ્હીમાં વરસાદના કારણે ભારત મંડપમમાં ભરાયા પાણી, કૉંગ્રેસે કર્યો કટાક્ષ

10 September, 2023 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

G20 સભ્યોને હૉસ્ટ કરવા માટે બનાવવામાં આવેલા ભારત મંડપમ (Bharat Mandapam)ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ચારેબાજુ પાણી જોવા મળી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટ (G20 Summit) દરમિયાન ભારે વરસાદ થયો છે, જેના કારણે સ્થળ પર મુશ્કેલીઓ વધી ગઈ છે. G20 સભ્યોને હૉસ્ટ કરવા માટે બનાવવામાં આવેલા ભારત મંડપમ (Bharat Mandapam)ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ચારેબાજુ પાણી જોવા મળી રહ્યું છે. આ અંગે કૉંગ્રેસે (Congress) મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પાણીથી ભરાયેલા ભારત મંડપમ (Bharat Mandapam)નો વીડિયો શેર કરતી વખતે ભારતીય યુથ કૉંગ્રેસના પ્રમુખ બીવી શ્રીનિવાસે લખ્યું છે કે, “G20 સભ્યોની યજમાની માટે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા `ભારત મંડપમ`ની તસવીરો. વિકાસ સ્વિમિંગ કરી રહ્યો છે...”

‘વિકાસની પોલ ખૂલી’

આ જ વીડિયો X પર કૉંગ્રેસના સત્તાવાર મીડિયા પ્લેટફોર્મ INC-TV દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. અહીં લખવામાં આવ્યું છે કે, “પોકળ વિકાસની પોલ ખૂલી. G20 માટે ભારત મંડપમ તૈયાર કરવામાં આવ્યું હતું. 2,700 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું, પણ એક જ વરસાદમાં અહીં પાણી ભરાય ગયું.”

તે જ ભારત મંડપમ કન્વેન્શન સેન્ટરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શનિવારે યુએસ પ્રમુખ જો બાઇડન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક, ઑસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસ સહિત 30થી વધુ દેશો અને સંગઠનોના નેતાઓનું સ્વાગત કર્યું હતું.

ભારત મંડપમમાં ઈતિહાસ રચાયો

G20 સમિટ (G20 Summit)ના પહેલા દિવસે ભારત મંડપમ ખાતે ઈતિહાસ રચાયો હતો. આફ્રિકન યુનિયન પણ ઔપચારિક રીતે ભારતની અધ્યક્ષતામાં જૂથમાં પ્રવેશ્યું હતું. આ સાથે નવી દિલ્હી મેનિફેસ્ટો અપનાવવામાં આવ્યો હતો. રશિયા-યુક્રેનના સંવેદનશીલ મુદ્દા પર સંયુક્ત નિવેદન પર તમામ નેતાઓને સહમત કરાવવાની તેની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. ભારતે 100થી વધુ મુદ્દાઓ પર સર્વસંમતિ પેદા કરીને આ પ્લેટફોર્મ પર ગ્લોબલ સાઉથના અગ્રણી અવાજ તરીકે પોતાને સાબિત કર્યું છે.

રવિવાર (10 સપ્ટેમ્બર 2023) એ ભારતમાં G20 સમિટનો બીજો અને છેલ્લો દિવસ છે. શનિવારે, સમિટના પહેલા જ દિવસે ભારતે 100થી વધુ મુદ્દાઓ પર સર્વસંમતિ હાંસલ કરીને રાજદ્વારી ઇતિહાસ રચ્યો હતો. આમાં સૌથી મહત્ત્વની સર્વસંમતિ સંવેદનશીલ રશિયા-યુક્રેન યુદ્ધ પર સંયુક્ત નિવેદન જાહેર કરવાની હતી. G20 સમિટની આ રાજદ્વારી સફળતાએ અચાનક ભારતને ગ્લોબલ સાઉથનો અવાજ બનાવી દીધો છે.

રાજદ્વારી બાબતોની જાણકારી ધરાવતા નિષ્ણાતોના મતે, ભારતમાં એ જ સવારે ઈતિહાસ રચાઈ ગયો જ્યારે પીએમ મોદીએ G20 દેશોના સમૂહમાં આફ્રિકન યુનિયનને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને તમામ દેશોની સંમતિ મળી છે. G20માં આફ્રિકન યુનિયન 55 દેશોનું પ્રતિનિધિત્વ કરે છે, જે સમગ્ર ખંડ માટે મહત્ત્વની ક્ષણ છે.

narendra modi g20 summit new delhi india national news