G20 Summit 2023માંથી બ્રેક લીધો બ્રિટિશ PM ઋષિ સુનકે, પ્રાર્થના કરવા પહોંચ્યા અક્ષરધામ મંદિર

10 September, 2023 11:46 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

G20 Summit 2023 : બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ દિલ્હી આવ્યા છે. તેમણે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે સવારે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી.

ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ (તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ)

હાલ દિલ્હીમાં G20 સમિટ (G20 Summit 2023) ચાલી રહી છે. આ સમિટમાં ભાગ લેવા અનેક વિશ્વનેતાઓ દિલ્હી પહોચ્યાં છે. આ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ દિલ્હી આવ્યા છે. આ વચ્ચે તેમણે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે સવારે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષરધામ મંદિરમાં જઈને પ્રાર્થના કરતાં જોવા મળ્યા હતા. 

G-20 સમિટ (G20 Summit 2023)માં ભાગ લેવા આવેલા ઋષિ સુનકે એક દિવસ પહેલા જ પોતાની મુલાકાતની જાણકારી આપી હતી. તેઓએ તાજેતરમાં જ હિન્દુ મૂળ પર પોતાનો ગર્વ વ્યક્ત કર્યો હતો. ઋષિ સુનકે શનિવારે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે તેઓને G-20 સમિટ (G20 Summit 2023) વચ્ચે ભારતમાં આવેલા મંદિરોની મુલાકાત લેવાનો પણ સમય મળશે. કહેવામાં આવી રહ્યું છે કે સુનક એક કલાક સુધી અક્ષરધામ મંદિરમાં રોકાશે. 

ઋષિ સુનકની G-20 સમિટ (G20 Summit 2023) વચ્ચેની અક્ષરધામ મંદિરની મુલાકાતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે. દિલ્હી પોલીસે અક્ષરધામ મંદિર પરિસરમાં અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરી દીધી છે. દિલ્હી પોલીસે આ બાબતે વધુ જાણકારી આપતાં કહ્યું હતું કે કે તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને અમે મંદિર પરિસર તેમ જ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે.

જૉ કે, બ્રિટિશ પીએમ ઋષિ સુનકે શનિવારે જ પીએમ નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતા. સુનકે વખાણ કરતાં કહ્યું હતું કે તેઓ પીએમ મોદી માટે ખૂબ જ માન-સન્માન ધરાવે છે અને G20ને એક સફળ બનાવવામાં તેમને ટેકો આપવા પણ આતુર છે. 

ઋષિ સુનકે એક દિવસ પહેલા મીડિયા પર પોતાની વાત શૅર કરતા કહ્યું હતું કે, `મને હિંદુ હોવાનો ગર્વ છે. આ રીતે મારો ઉછેર થયો છે અને હું આ જ છું.’ આ સાથે તેઓએ પોટની પોસ્ટમાં એવી પણ આશા વ્યક્ત કરી હતી કે જ્યાં સુધી તેઓ અહીં આગામી થોડા દિવસો માટે રોકાવાના છે ત્યારે તેઓ ભારતમાં આવેલા મંદિરની મુલાકાત લઈ શકશે. 

અક્ષરધામ મંદિર એ દિલ્હીમાં આવેલું ભગવાન સ્વામિનારાયણનું પ્રસિદ્ધ મંદિર છે. આ એક સાહિત્યિક-સાંસ્કૃતિક સ્થળ છે. જેની અનેક વિદેશીઓ પણ મુલાકાત લેતાં હોય છે. આ મંદિરને સ્વામિનારાયણ અક્ષરધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં લાખો હિંદુ સાહિત્ય, સંસ્કૃતિ અને કલાકૃતિઓની આકર્ષક ઝલક જોવા મળે છે. યમુના નદીના કિનારે આવેલું આ મંદિર વાસ્તુશાસ્ત્ર અને પંચરાત્ર શાસ્ત્ર અનુસાર બનાવવામાં આવ્યું છે. અહીં અભિષેક મંડપ, સહજાનંદ વોટર શો, થીમ ગાર્ડન અને ત્રણ પ્રદર્શનો સહજાનંદ દર્શન, નીલકંઠ દર્શન અને સંસ્કૃતિ દર્શન લોકોને ખૂબ જ આકર્ષે છે.

g20 summit rishi sunak narendra modi delhi news religious places delhi