13 November, 2024 07:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ અદીબ
વક્ફ બિલના વિરોધમાં દિલ્હીમાં આયોજિત એક બેઠકમાં રાજ્યસભાના ભૂતપૂર્વ સંસદસભ્ય મોહમ્મદ અદીબે વાણીવિલાસ કરતાં કહ્યું હતું કે મુસ્લિમોએ મોહમ્મદ અલી ઝીણાને મનાવી લીધા તેથી પાકિસ્તાનની બૉર્ડર લાહોર સુધી જ રહી ગઈ, અન્યથા એ લખનઉ સુધી હોત.
તેમના આવા નિવેદન બાદ વિવાદ થયો છે.
આ મુદ્દે મોહમ્મદ અદીબે કહ્યું હતું કે ‘અમે તો ઝીણાને મનાવી લીધા હતા અને ઠુકરાવી પણ દીધા હતા. અમે લિયાકત અલી ખાનનું પણ માન્યું નહોતું. અમે નેહરુ-ગાંધી અને આઝાદનું કહેલું માન્યું હતું, બધા મુસલમાનો ઝીણા સાથે નહોતા ગયા એ માટે સરકારે અમારો અહેસાન માનવો જોઈએ; નહીં તો પાકિસ્તાન લાહોર સુધી નહીં, લખનઉ સુધી બન્યું હોત.’
મેં ૮૦ વર્ષ પૂર્ણ કર્યાં છે એમ જણાવતાં મોહમ્મદ અદીબે કહ્યું હતું કે ‘૫૦ વર્ષથી સત્તાની ગલીઓમાં ઘૂમ્યો છું. આજે અમે અમારા જ વિસ્તારમાં ગુનેગારની જેમ જીવી રહ્યા છીએ. અમે તો દેશદ્રોહી પણ બની ગયા છીએ. અમે એવા લોકો જોયા જે અમારી સાથે હતા પણ પોતાની રાજકીય સફર આગળ વધારવા માટે અમને કિસ્મતના ભરોસે છોડીને જતા રહ્યા.’