વન નેશન, વન ઇલેક્શનને મળી કૅબિનેટની મંજૂરી; પણ ચડાણ કપરાં

19 September, 2024 07:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રામનાથ કોવિંદની પૅનલ દ્વારા તૈયાર થયો હતો રિપોર્ટઃ કૉન્ગ્રેસ સહિત ૧૫ પાર્ટીઓનો વિરોધ, કૉન્ગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશના લોકો એને સ્વીકારશે નહીં

ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રામનાથ કોવિંદ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા હેઠળની પૅનલે તૈયાર કરીને આપેલા વન નેશન, વન ઇલેક્શનના રિપોર્ટને કેન્દ્રીય કૅબિનેટે મંજૂરી આપી દીધી છે. પૅનલના આ રિપોર્ટ મુજબ દેશમાં ૧૦૦ દિવસના સમયગાળામાં લોકસભા, વિધાનસભા, સુધરાઈ અને પંચાયતોની ચૂંટણી એક જ દિવસે એકસાથે કરવામાં આવશે.

આ પૅનલમાં ગૃહપ્રધાન અમિત શાહ અને કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલ સહિત મેમ્બરો હતા. ૨૦૨૯ કે એથી પહેલાં આ સિસ્ટમનો દેશમાં અમલ કરવામાં આવી શકે છે. ત્રિશંકુ પરિણામ આવે કે સરકાર વિશ્વાસનો મત ગુમાવી દે તો યુનિટી ગવર્નમેન્ટની પરિકલ્પના પણ એમાં આપવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૨૦૧૯ અને ૨૦૨૪ના મૅનિફેસ્ટોમાં આ સિસ્ટમની વાત કરવામાં આવી હતી અને વિપક્ષોએ આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે સત્તાધારી પાર્ટી આ રીતે બંધારણ બદલવા માગે છે અને આ યોજના વ્યવહારુ નથી. જોકે મોદી સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે ત્રીજા કાર્યકાળમાં આ યોજનાનો અમલ કરવામાં આવશે.

દરખાસ્ત મંજૂર કરવા બે-તૃતીયાંશ બહુમતીની જરૂર

આ દરખાસ્તને મંજૂર કરવા માટે કેન્દ્ર સરકારને સંસદમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે, કારણ કે એમાં બંધારણમાં કમસે કમ ૬ ફેરફાર કરવા પડશે. સંસદનાં બેઉ ગૃહોમાં સત્તાધારી BJPને સાદી બહુમતી છે, પણ આ દરખાસ્તને બે-તૃતીયાંશ બહુમતીથી મંજૂર કરાવવા માટે સાદી બહુમતી ઉપરાંત રાજ્યસભામાં બાવન અને લોકસભામાં ૭૨ સભ્યોનો ટેકો જરૂરી છે. ત્યાર બાદ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પણ મંજૂરી જરૂરી બનશે.

લોકસભામાં ૫૪૫ બેઠકો પૈકી NDA પાસે ૨૯૨ સભ્યો છે. બે-તૃતીયાંશ બહુમતી માટે ૩૬૪ સભ્યોના ટેકાની જરૂર છે. રાજ્યસભામાં ૨૪૫ બેઠકો પૈકી NDA પાસે ૧૧૨ બેઠકો છે. વિપક્ષો પાસે ૮૫ બેઠકો છે. બે-તૃતીયાંશ બહુમતી માટે કમસે કમ ૧૬૪ સભ્યોનો ટેકો જરૂરી છે. જોકે મતદાન વખતે કેટલા સભ્યો હાજર છે અને કેટલા લોકો મતદાન કરે છે એના આધારે બહુમતીનો આંકડો નક્કી થશે.

શું છે આ દરખાસ્ત?

વન નેશન, વન ઇલેક્શન પૅનલે જણાવ્યું હતું કે ‘આ દરખાસ્ત દેશમાં ચૂંટણી-પ્રક્રિયામાં આમૂલ ફેરફાર કરશે. લોકો એક જ વખતે કે એક જ વર્ષમાં યોજાનારી ચૂંટણીમાં મતદાન કરીને કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરની સરકાર ચૂંટી કાઢશે. અત્યારે આ બધી ચૂંટણીઓ લગભગ અલગ-અલગ યોજાય છે. ૩૨ રાજકીય પક્ષો, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસો, હાઈ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસો અને અગ્રણી મહાનુભાવોએ એને પીઠબળ આપ્યું છે. એનાથી મતદારો માટે ચૂંટણી-પ્રક્રિયા સરળ બનશે, આર્થિક બચત થશે, કૉર્પોરેટ અને બિઝનેસ હાઉસોને નીતિગત નિર્ણયોમાં ફેરફારના ડરનો સામનો નહીં કરવો પડે. એનાથી પૉલિસી પૅરૅલિસિસનો પણ સામનો નહીં કરવો પડે.

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘આ સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. તમામ ચૂંટણી માટે એક જ મતદારયાદી રહેશે. આ સિસ્ટમના અમલીકરણના મુદ્દે દેશવ્યાપી ચર્ચા કરવામાં આવશે અને શરૂઆતમાં જણાયું છે કે ૮૦ ટકા લોકોએ એને ટેકો આપ્યો છે.’

૧૫ વિપક્ષી પાર્ટીઓએ કહ્યું : એમાં કોઈ નવીનતા નથી, એ વ્યવહારુ નથી; કૉન્ગ્રેસે કહ્યું : લોકોનું ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ છે, લોકો વિરોધ કરશે

વન નેશન, વન ઇલેક્શનના મુદ્દે કૉન્ગ્રેસ સહિત બીજા ૧૫ રાજકીય પક્ષોએ વિરોધ નોંધાવ્યો છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મૅનિફેસ્ટો જાહેર કરવાના પ્રસંગે કૉન્ગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ‘આ જાહેરાતમાં કંઈ નવીનતા નથી. વળી આ સિસ્ટમ વ્યવહારુ પણ નથી. ચૂંટણી આવે ત્યારે કેન્દ્ર સરકાર પાસે કોઈ મુદ્દા હોતા નથી તેથી તેઓ લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટે આવી જાહેરાતો કરે છે. આ બંધારણવિરોધી છે અને દેશના ફેડરલ સ્ટ્રક્ચરના વિરોધમાં છે. સરકારને આમાં સફળતા નહીં મળે, લોકો પણ એને સ્વીકારશે નહીં.’ 
આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કૉન્ગ્રેસ અને તામિલનાડુની DMK (દ્રવિડ મુનેત્ર કઝઘમ)એ પણ આ સિસ્ટમનો વિરોધ કર્યો છે. પ્રાદેશિક પક્ષોએ ચિંતા વ્યક્ત કરી હતી કે સ્થાનિક ચૂંટણીમાં પણ રાષ્ટ્રીય મુદ્દા છવાયેલા રહેશે. બધી ચૂંટણી સાથે યોજવા માટે વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)ની પણ જરૂર પડશે. જોકે આ મુદ્દે પૅનલે કહ્યું છે કે દર ૧૫ વર્ષે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે.

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના મનોજ ઝાએ કહ્યું હતું કે ‘આ વિચારનો અમે વિરોધ કરીએ છીએ. અશ્વિની વૈષ્ણવ કહે છે કે દેશના ૮૦ ટકા લોકોને એનું સમર્થન છે, પણ હું એ જાણવા માગું છું કે આ ૮૦ ટકા લોકો કોણ છે. અમારી સાથે કોઈએ ચર્ચા કરી નહોતી.’

ચંદ્રયાન-4, વીનસ મિશન, ઇન્ડિયન સ્પેસ સ્ટેશન અને નેક્સ્ટ જનરેશન લૉન્ચ વેહિકલને કૅબિનેટની મંજૂરી

કેન્દ્રીય કૅબિનેટની બેઠકમાં ચંદ્રયાન-4, વીનસ ઑર્બિટર મિશન, ઇન્ડિયન સ્પેસ સ્ટેશન અને નેક્સ્ટ જનરેશન લૉન્ચ વેહિકલને મંજૂરી આપવામાં આવી હતી એમ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.

ચંદ્રયાન-3ની સફળતા બાદ આ નવું મિશન લૉન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-4માં ચંદ્ર પરથી મિશન પાછું લાવી શકાય એનું પરીક્ષણ હાથ ધરાશે. એ ચંદ્રની ધરતી પરથી સૅમ્પલો લઈને આવશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)નું આ મિશન ૩૬ મહિનામાં પૂરું કરવામાં આવશે. એની પાછળ ૨૧૦૪.૦૬ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 
વીનસ ઑર્બિટર મિશન પાછળ ૧૨૩૬ કરોડ રૂપિયા મંજૂર થયા છે.

૨૦૨૮ સુધીમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન ભારતીય અંતરીક્ષ સ્ટેશન (BAS) લૉન્ચ કરશે. હાલમાં સ્પેસમાં અમેરિકા સહિત મિત્રદેશોનું ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન અને ચીનનું ટિયાગોંગ સ્પેસ સ્ટેશન કાર્યરત છે.

ગગનયાન પ્રોજેક્ટ માટે ઇસરોને ૨૦,૧૯૩ કરોડ રૂપિયા ફાળવાયા છે.

નેક્સ્ટ જનરેશન લૉન્ચ વેહિકલ માટે ૮૨૪૦ કરોડ રૂપિયા ફાળવાયા છે.

 

indian government ram nath kovind national news bharatiya janata party congress