30 December, 2024 12:26 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત ડૉ. મનમોહન સિંહનાં અસ્થિનું ગઈ કાલે યમુના નદીમાં વિસર્જન કરવામાં આવ્યું
ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત ડૉ. મનમોહન સિંહનાં અસ્થિનું ગઈ કાલે યમુના નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ અસ્થિઓ પહેલાં દિલ્હીના મજનૂ કા ટીલા સ્થિત ગુરુદ્વારામાં લાવવામાં આવ્યાં હતાં અને શબ્દકીર્તન, પાઠ અને અરદાસ બાદ તેમના પરિવારજનોએ આ અસ્થિઓનું યમુના નદીમાં વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે કૉન્ગ્રેસના કોઈ વરિષ્ઠ નેતાની હાજરી નહોતી. કૉન્ગ્રેસે સોશ્યલ મીડિયામાં અસ્થિવિસર્જનનો વિડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘ભારતમાતાના સપૂત અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનાં અસ્થિઓનું પૂરા વિધિવિધાન સાથે મજનૂ કા ટીલા સ્થિત ગુરુદ્વારા પાસે યમુના ઘાટ પર વિસર્જન કરવામાં આવ્યું. અમે સૌ ડૉ. મનમોહન સિંહની દેશસેવા, સમર્પણ અને તેમની સહજતાને હંમેશાં યાદ રાખીશું. સાદર નમન.’