કમલનાથ કરી દેશે કૉન્ગ્રેસને રામ-રામ?

18 February, 2024 01:00 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અફવા બજાર ગરમ છે: તેમના દીકરાએ પોતાના બાયોમાંથી કૉન્ગ્રેસનો ઉલ્લેખ દૂર કર્યો

કમલનાથ

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ બીજેપીમાં જોડાઈ શકે છે. તેઓ દિલ્હી જવા રવાના થયા છે. તેમની બીજેપીમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કમલનાથના પુત્ર અને છિંદવાડાના સંસદસભ્ય નકુલનાથ સહિત કૉન્ગ્રેસના ઘણા નેતાઓ બીજેપીમાં જોડાઈ શકે છે. નકુલનાથે તેમના ટ્વિટર અકાઉન્ટમાંથી કૉન્ગ્રેસ શબ્દ હટાવી દીધો છે. કમલનાથ અને નકુલનાથ છિંદવાડાનો પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી પહોંચ્યા છે.

મધ્ય પ્રદેશના બીજેપી ચીફ વી.ડી. શર્માએ એક દિવસ પહેલાં જ દાવો કર્યો હતો કે કમલનાથ કૉન્ગ્રેસથી નારાજ છે. આ દરમ્યાન મીડિયાને સમાચાર મળ્યા કે તેમનો દિલ્હી આવવાનો કાર્યક્રમ છે અને તેમના પુત્ર નકુલનાથે સોશ્યલ મીડિયા પરના તેમના બાયોમાંથી કૉન્ગ્રેસ હટાવી દીધું છે, આનાથી ચર્ચાને વધુ વેગ મળ્યો છે. જ્યારે કૉન્ગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે ‘આ માત્ર અફવા છે અને કમલનાથ ક્યારેય આવું પગલું ન ભરી શકે. કમલનાથ સાથે ગઈ રાતે વાત કરી હતી, તેઓ છિંદવાડામાં છે. જે વ્યક્તિએ નેહરુ-ગાંધી પરિવાર સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી તે વ્યક્તિ પાસેથી આપણે કેવી રીતે આશા રાખી શકીએ કે તેઓ ઇન્દિરાજીના પક્ષને છોડી દેશે. આપણે આની અપેક્ષા પણ ન રાખવી જોઈએ.’ 

national news india Kamal Nath congress bharatiya janata party