25 May, 2023 02:26 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
સત્યેન્દ્ર જૈન (ફાઇલ તસવીર)
દિલ્હીના (Delhi) પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને દિન દયાળ ઉપાધ્યાય હૉસ્પિટલમાંથી એલએનજેપી (LNJP) હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની તબિયત વધારે બગડ્ટા બાદ હવે તેમને ઑક્સિજન સપૉર્ટ પર રાખવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈન ચક્કર આવ્યા બાદ તિહાડ જેલના બાથરૂમમાં પડી ગયા હતા. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા અને તેમની કરોડરજ્જૂમાં ગંભીર ઈજા થઈ હતી. ગયા અઠવાડિયામાં આ બીજીવાર છે જ્યારે સત્યેન્દ્ર જૈનને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.
સત્યેન્દ્ર જૈનની સ્પાઈનની સર્જરી પણ થવાની છે. સ્પાઈનમાં પ્રૉબ્લેમને કારણે તે કમરમાં બેલ્ટ પહેરે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ટ્વીટ કરી કહ્યું, "જે માણસ જનતાને સારી સારવાર અને સારું સ્વાસ્થ્ય આપવા માટે દિવસ-રાત કામ કરી રહ્યો હતો. આજે તે ભલા માણસને એક તાનાશાહ મારવા પર તુલ્યો છે. તેને તાનાશાહની એક વિચારધારા છે- બધાને ખતમ કરી દેવાની, તે ફક્ત `હું`માં જ જીવે છે. તે ફક્ત પોતાને જ જોવા માગે છે. ભગવાન બધું જુએ છે, તે બધા સાથે ન્યાય કરશે. ઈશ્વરને પ્રાર્થના કરું છું સત્યેન્દ્રજીનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય. ભગવાન તેમને આ વિપરિત પરિસ્થિતિઓ સામે લડવાની શક્તિ આપે."
આ પહેલા 22મેના પણ સત્યેન્દ્ર જૈનની તબિયત બગડ્યા બાદ સફદરજંગ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સત્યેન્દ્ર જૈનનું વજન લગભગ 35 કિલો ઓછું થયું છે. તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈને થોડોક સમય પહેલા ફરિયાદ કરી હતી તે ઉદાસ અને એકલતા અનુભવે છે. ત્યાર બાદ તિહાડ જેલ પ્રશાસને કહ્યું હતું કે તે મનોવૈજ્ઞાનિકની મદદ લેશે અને જો જરૂર પડી તો આમ આદમી પાર્ટીના નેતાને જરૂરી સારવાર આપવામાં આવશે.
જેલ પ્રશાસને કહ્યું હતું કે જૈને જેલ ક્લીનિકમાં એક મનોવૈજ્ઞાનિક પાસે કન્સલ્ટેશન લીધું, જેમણે તેમને લોકોની આસપાસ રહેવા અને સામાજિક રીતે લોકો સાથે વાતચીત કરવાની સલાહ આપી.
આ પણ વાંચો : CM એકનાથ શિંદેએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પર પહેલી બસને બતાવી લીલી ઝંડી
તિહાડ જેલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, "જો કોઈ કેદી ડિપ્રેશનથી પીડિત છે તો તેના પર યોગ્ય ધ્યાન આપવામાં આવવું જોઈએ. એવામાં જો જૈન ડિપ્રેશનનો સામનો કરી રહ્યા છે, તો અમે તેમની હાલલની માનસિક સ્થિતિ સમજવા અને તેનું વિશ્લેષણ કરવા માટે કોઈ અન્ય મનોવૈજ્ઞાનિકની મદદ લેશું અને તે ડિપ્રેશનથી પીડિત છે, તો નિયમાનુસાર જરૂરી સારવારની વ્યવસ્થા કરીશું."