09 January, 2025 09:48 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પ્રયાગરાજમાં કુંભમેળા ક્ષેત્રના સેક્ટર છમાં બજરંગદાસ માર્ગ પર મૌનીબાબાની ભવ્ય શિબિર તૈયાર થઈ રહી છે. અહીં ૫.૫૧ કરોડ રુદ્રાક્ષ અને ૧૧,૦૦૦ ત્રિશૂળથી દ્વાદશ જ્યોતિર્લિંગનો ભવ્ય શૃંગાર કરવામાં આવશે. એની સાથે જ ૧૦૮ હવનકુંડમાં ૧૨૫ કરોડ આહુતિ અને ૧૧ કરોડ વૈદિક મંત્રથી સંગમનગરી ગુંજાયમાન થશે. અમેઠીના ગૌરીગંજથી આવેલા બાલ બ્રહ્મચારી સ્વામી અભય ચૈતન્ય ફલાહારી ઉર્ફે મૌનીબાબા મહારાજે જણાવ્યું હતું કે ‘મહાકુંભ ભવ્ય અને આસ્થાપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય એ સંકલ્પની સાથે ૧૦,૦૦૦ ગામની પદયાત્રા કરીને અહીં આવ્યો છું. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને લઈને વિશેષ યજ્ઞની તૈયારી પણ કરી છે. શિબિરમાં ત્રિશૂળની દીવાલો અને ગૂણીઓમાં રાખવામાં આવેલી રુદ્રાક્ષની માળાઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીંથી પસાર થતી દરેક વ્યક્તિને સેલ્ફી લેવાનું મન થાય છે.’
ગંગાને સ્વચ્છ રાખવાનો સંદેશ
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમ્યાન ગંગા નદીને સ્વચ્છ રાખવાની હાકલ કરવા એક સામાજિક કાર્યકર ઢોલનગારાં સાથે સંગમ પરિસરમાં ફરતો દેખાયો હતો.
બડી દૂર સે આએ હૈં
ગઈ કાલે પ્રયાગરાજમાં છાવણીપ્રવેશ માટે સંગમસ્થળે જતા વિદેશી ભક્તો.